નવસારીમાં બે જૂથ વચ્ચે બાઈક પાર્ક કરવા બાબતે લાકડીઓ ઉછળતાં વૃદ્ધનું મોત,7ની ધરપકડ
નવસારીના સંદલપુરમાં ધુળેટીના તહેવારમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારી દરમિયાન એક 65 વર્ષીય વૃદ્ધને માથામાં લાકડાનો ફટકો વાગતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી બે જૂથ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસ દોડતી થઇ હતી.'
જલાલપુર તાલુકામાં આવેલા સંદલપુર ગામમાં ગઈકાલે શુક્રવારે બપોરે ક્રિકેટના ગ્રાઉન્ડમાં મેચ યોજાઇ હતી. જેમાં પટેલ અને ભરવાડ સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે ભરવાડ સમાજના બે યુવાનો જે ક્રિકેટ રમી રહ્યા હતા, તેમને ભરવાડ સમાજના અન્ય યુવાનો બાઇક પર રંગ લગાવવા માટે આવ્યા હતા. જેથી અન્ય યુવાનોએ બાઈકને ગ્રાઉન્ડની બહાર પાર્ક કરવા માટે કહેતા બંન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને લઈને બપોરે પંચાયત પાસે સમાધાન થયું હતું.પરંતુ સાંજે ફરીવાર પટેલ અને ભરવાડ સમાજના યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડ બાબતે મારામારી કરી હતી, જેમાં ભરવાડી ડાંગ અને લાકડાઓના વડે બંન્ને જૂથે એકબીજાને ઇજા પહોંચાડી હતી.
આ મારામારીમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જે દરમિયાન 65 વર્ષીય સુખા વિહા મેરને માથાના ભાગે ફટકો વાગતા તેમને સારવાર દરમિયાન ડોક્ટરોએ મૃત જાહેર કરતા ગામમાં અરેરાટી વ્યાપી હતી.આ સમગ્ર મામલે પટેલ અને ભરવાડ સમાજ દ્વારા ગ્રામ્ય પોલીસમાં સામસામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ભરવાડ યુવાન કાળું ભરવાડે 17 લોકો સામે ફરિયાદ આપી છે. ઉપરાંત રાજકુમાર ઉર્ફે હર્ષદ પટેલે 16 લોકો સામે ફરિયાદ આપી છે. પોલીસે પટેલ સમાજના 17 આરોપી પૈકી 7 લોકોની ધરપકડ કરી છે.હાલમાં ગામમાં સ્થિત વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ DYSP સહિતના અધિકારીઓ ગામમાં આગેવાનો સાથે મુલાકાત કરી સ્થિત થાળે પડે તે માટે પ્રયત્નશીલ બન્યા છે.