ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:14 IST)

કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું ESRP-2.0.પેકેજ રાજ્યની કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવશે

રાજ્યમાં નોંધાઇ રહેલા કોરોના-ઓમિક્રોનના કેસોમાંથી ૯૬ ટકા થી વધુ દર્દીઓ હોમ આઇસોલેસનમા સારવાર હેઠળ
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ૭ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવશ્રી સાથે સંકલન સાધીને  કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.મનસુખભાઈ માંડવીયા એ આ તમામ રાજ્યોમા કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ , ત્રીજી લહેર સામે રાજ્યોની સજ્જતા સતર્કતા અને તૈયારી વિશે આકલન કર્યું હતું.
 
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આ તમામ રાજ્યોમાં કોરોના સંલગ્ન દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ સુચારુ બનાવવા , કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા કોરોના સંલગ્ન વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મૂક્યો હતો.
 
કેન્દ્રીય આરોગ્ય વિભાગ આ તમામ રાજ્યોની કોરોના સંદર્ભે  માળખાગત સુવિધાઓ, દવાઓના અને  રસીના જથ્થા સહિતની તમામ જરૂરિયાતને સત્વરે પૂરી કરવા માટે સજ્જ હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું.
 
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં કાર્યરત વેક્સિનેશન ડ્રાઇવ, આઇ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરિયામંદ કેસોમાં આઇસોલેશન, હોસ્પિટલોમાં દવાઓનો,રસીનો જથ્થો, સારવાર માટે માળખાકીય સુવિધાઓ અંગે  વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યની સજ્જતા અંગે પણ કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા.
 
રાજ્યમાં નોંધાઇ રહેલા કોરોના-ઓમિક્રોનના કેસોમાંથી ૯૬ ટકા થી વધુ દર્દીઓ હોમ આઇસોલેસનમા સારવાર હેઠળ છે તેમજ અત્યારે નોંધાઈ રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલાઇઝેશન અને ક્રિટિકલ કેર  દર ખૂબ જ નીચો હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું.
 
રાજ્ય સરકાર દ્વારા હોમ આઇસો લેસનના કોરોનાગ્રસ્ત દર્દીઓને ટેલીમેડિસીન, ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ધરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી સારવારના અભિગમથી પણ કેન્દ્રીય મંત્રીને અવગત કરાવ્યા હતા.
 
આ કોન્ફરન્સમાં દરેક રાજ્યમાં ૧૫ થી ૧૮ ના તરૂણો, ૬૦ થી વધુ વયના વયસ્કો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ESRP-2.0.પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે દરેક રાજ્યની કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવશે.
 
ઉપરોક્ત કોન્ફરન્સમાં રાજ્ય મંત્રી નિમીષા બેન સુથાર,અગ્ર સચિવ મુકેશકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.