1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ડિસેમ્બર 2020 (10:01 IST)

Positive Story - પત્રકાર પિતાએ હૃદય ઉપર પત્થર મૂકી વ્હાલસોયા દિકરાના અંગદાનની આપી મંજૂરી

તા. ૯ ડીસેમ્બરના રોજ જશ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક ભટારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં ડૉ.સ્નેહલ દેસાઈની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. 
 
૧૪ ડીસેમ્બરના રોજ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાને પત્રકાર સંજીવ ઓઝાનો પુત્ર બીજા માળે ઉપરથી અકસ્માતે પડી ગયો હોવાની જાણ થતા તેઓ સંજીવ ઓઝાને મળવા માટે અમૃતા હોસ્પિટલ ગયા હતા. ત્યારે જશની સારવાર કરતા પીડીયાટ્રીક ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સ્નેહલ દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ડૉ.જયેશ કોઠારી અને ડૉ.કમલેશ પારેખે જશને તપાસી તે બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. 
 
પોતાનો વ્હાલસોયો-લાડકવાયો પુત્ર બ્રેઈનડેડ છે તે સંભાળીને પિતા સંજીવ, માતા અર્ચના તેમજ પરિવારના અન્ય સભ્યો ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું. પિતા સંજીવ અને પરિવારે થોડી સ્વસ્થતા મેળવ્યા પછી નિલેશ માંડલેવાલાએ ઓઝા પરિવારને જણાવ્યું કે તમારો લાડકવાયો પુત્ર જશ બ્રેઈનડેડ છે ત્યારે તમારી પાસે બે વિકલ્પ છે, ડોકટરોને જશ ની ટ્રીટમેન્ટ ધીમે ધીમે બંધ કરવાનું કહેવું અથવા તો તેના અંગોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આગળ વધવું. જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા.
 
તેઓએ હૃદય ઉપર પથ્થર મૂકી કહ્યું કે નિલેશભાઈ આજે મારો બાબુ (જશનું લાડકું નામ) ભલે નથી રહ્યો પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર પછી પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ  દેસાઈની  સાથે  રહી  પોતાની  પત્નીને  પણ  જશના  અંગદાન  કરાવવા  માટે  રાજી  કરી. પરંતુ એક માંને આશા હતી કે હજુ પણ કંઇક ચમત્કાર થઇ શકે છે અને મારો પુત્ર ઉભો થઈને મમ્મી-મમ્મી બોલશે. તેથી તેઓએ વધુ એક દિવસ રાહ જોવા જણાવ્યું. 
 
ત્યારે નિલેશ માંડલેવાલાએ તેમને સમજાવ્યું કે દર્દી બ્રેઈનડેડ જાહેર થયા બાદ ધીમે ધીમે તેના દરેક અંગો બગડતા જાય છે. એક દિવસ પછી કદાચ અમુક અંગોનું દાન ન પણ થઇ શકે. ત્યારે જશની માતા અર્ચનાએ જણાવ્યું કે તેઓ જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે. જશની માતાએ પોતાના ફૂલ જેવા કોમળ બાળકના વધુને વધુ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે પોતાના હૃદય ઉપર પત્થર મૂકી પોતાના વ્હાલસોયા-લાડકવાયા બાળકના અંગદાનની મંજુરી આપી. ઓઝા પરિવાર તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.
 
ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે SOTTO  દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ના હોવાથી NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ના હોવાને કારણે ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેનની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંની ફાળવણી કરી હતી.
 
SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases an d Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા. ચેન્નાઈથી સુરત આવી હૃદય અને ફેફસાનું દાન ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલના ડૉ. મોહન અને તેમની ટીમે તથા કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
 
સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં   ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
 
સુરતની અમૃતા હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિ.મિ રોડ માર્ગનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૧૩ વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી ૧૭ વર્ષીય બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૨ વર્ષીય બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
 
ગુજરાતમાંથી હૃદયદાનની આ સાડત્રીસમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ ત્રીસમી ધટના છે, જેમાંથી ૨૦ હૃદય મુંબઈ, ૫ હૃદય અમદાવાદ, ૩ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ફેફસાના દાનની આ પાંચમી ઘટના છે. જેમાંથી ૨ ફેફસા બેંગ્લોર, ૪ ફેફસા મુંબઈ અને ૪ ફેફસા ચેન્નાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
 
હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૬૫ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
 
આજે દેશમાં જે પણ અંગદાન થાય છે તે મોટે ભાગે પુખ્ત વયની વ્યક્તિઓના થાય છે, નાના બાળકોના અંગદાન ખુબજ ઓછા થાય છે ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા પાંચ વર્ષથી નીચેના બાળકોના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના છે.
 
કોવિડ૧૯ ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન ૪ હૃદય, ૬ ફેફસા, ૧૪ કિડની, ૭ લિવર, ૧ પેન્ક્રીયાસ અને ૧૨ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.  સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૩ કિડની, ૧૫૨ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૦ હૃદય, ૧૦ ફેફસાં અને ૨૭૬ ચક્ષુઓ કુલ ૮૪૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૮૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.