રાજકોટમાં રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 70 લાખનું ફર્નિચર બળીને ખાખ
રાજકોટમાં રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અંદાજિત 60થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ છે કે, એક કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા છે.
ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર ચીફ ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે. આગ હાલ કંટ્રોલમાં છે. માત્ર ટોપ ફ્લોર પર આગ છે જે બૂઝાવવામાં આવી રહી છે. ફર્નિચરના ગોડાઉનમાં વર્કરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.હાલ કોઈ જાનહાનિ પહોંચી નથી. ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાખ થઈ ગઈ છે. ત્રણથી ચાર ટુવ્હિલર બળીને ખાખ થઈ ગયા છે. ભીષણ આગને કારણે આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા છે. જો કે, પોલીસ દ્વારા લોકોને આગથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લગભગ 2થી 3 વાગ્યા આસપાસ આગ કાબુમાં આવે તેવી શક્યતા છે.