મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (16:35 IST)

પહેલા ગુજરાતમાં અને હવે રાષ્ટ્રીય સ્તરે, મારા 20 વર્ષના કાર્યકાળ દરમિયાન પર્યાવરણ અને ટકાઉ વિકાસ મારા માટે મુખ્ય ફોકસ ક્ષેત્રો રહ્યા છે”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI)ની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. ડોમિનિકન રિપબ્લિકના પ્રમુખ શ્રી લુઈસ એબિનેડર, કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી, સંયુક્ત રાષ્ટ્રોનાં ઉપ મહામંત્રી સુશ્રી અમીના જે મોહમ્મદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
 
પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે તેમના 20 વર્ષના કાર્યકાળ દરમિયાન, પ્રથમ ગુજરાતમાં અને હવે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ટકાઉ વિકાસ તેમના માટે મુખ્ય ફોકસ ક્ષેત્રો રહ્યાં છે. તેમણે કહ્યું કે ધરતી કંઈ નાજુક કે ભંગુર નથી પરંતુ ધરતી, પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ નાજુક અને ભંગુર રહી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે 1972ની સ્ટોકહોમ કોન્ફરન્સથી છેલ્લા 50 વર્ષોમાં ઘણી વાતો કરવા છતાં બહુ ઓછું કરવામાં આવ્યું છે. પરંતુ ભારતમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે વાત આગળ વધારી છે. "ગરીબો માટે વાજબી ઊર્જા પહોંચ એ આપણી પર્યાવરણીય નીતિનો પાયાનો પથ્થર રહ્યો છે", એમ તેમણે કહ્યું હતું. ઉજ્જવલા યોજના હેઠળ 90 મિલિયન પરિવારોને સ્વચ્છ રસોઈ બળતણ અને PM-KUSUM યોજના હેઠળ ખેડૂતોને નવીનીકરણીય ઊર્જા મેળવવા જેવા પગલાં જેમાં ખેડૂતોને સોલર પેનલ લગાવવા, તેનો ઉપયોગ કરવા અને ગ્રિડને વધારાનો પાવર વેચવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, તે પગલાં ટકાઉપણું અને સમાનતાને પ્રોત્સાહન આપશે.
 
પ્રધાનમંત્રીએ સાત વર્ષથી ચાલી રહેલી LED બલ્બ વિતરણ યોજના વિશે માહિતી આપી હતી, જેણે 220 અબજ યુનિટ કરતાં વધુ વીજળી અને દર વર્ષે 180 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત, નેશનલ હાઈડ્રોજન મિશન ગ્રીન હાઈડ્રોજનને ઉપયોગમાં લેવાનો હેતુ ધરાવે છે એમ તેમણે કહ્યું હતું. તેમણે TERI જેવી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને ગ્રીન હાઇડ્રોજનની સંભાવનાઓને સાકાર કરવા માટે આંબી શકાય એવા ઉપાયો સાથે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરી હતી.
 
વિશ્વના 2.4% જમીન વિસ્તાર સાથે, ભારત વિશ્વની લગભગ 8% પ્રજાતિઓ ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત એક વિશાળ વૈવિધ્યસભર દેશ છે અને આ પર્યાવરણની રક્ષા કરવી એ આપણી ફરજ છે.
 
પ્રોટેક્ટેડ એરિયા નેટવર્કનાં મજબૂતીકરણ અંગેના પ્રયાસો પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રીએ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની માન્યતા જેવા ભારતના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિની વાત કરી હતી. હરિયાણામાં અરવલ્લી જૈવવિવિધતા ઉદ્યાનને જૈવવિવિધતાના તેના અસરકારક સંરક્ષણ માટે O.E.C.M સ્થળ તરીકે જાહેર કરવામાં આવી રહ્યું છે. વધુ બે ભારતીય વેટલેન્ડ્સ-ભીનાશવાળી જમીનને રામસર સાઇટ્સ તરીકે ઓળખવા સાથે ભારતમાં હવે 1 મિલિયન હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી 49 રામસર સાઇટ્સ છે.
 
ક્ષતિગ્રસ્ત જમીનને પુનઃસ્થાપિત કરવી એ મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક છે અને 2015થી અને 11.5 મિલિયન હેક્ટરથી વધુ જમીનો પુનઃસ્થાપિત કરવામાં આવી છે. “અમે બોન ચેલેન્જ હેઠળ લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટીની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા હાંસલ કરવાના માર્ગ પર છીએ. અમે U.N.F અને ટ્રિપલ સી હેઠળ કરવામાં આવેલી અમારી તમામ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં દ્રઢપણે વિશ્વાસ રાખીએ છીએ. અમે ગ્લાસગો ખાતે CoP-26 દરમિયાન અમારી મહત્વાકાંક્ષાઓ પણ વધારી છે”, એમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
 
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પર્યાવરણીય ટકાઉપણું ફક્ત આબોહવા ન્યાય દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે આગામી 20 વર્ષમાં ભારતના લોકોની ઊર્જા જરૂરિયાત લગભગ બમણી થવાની અપેક્ષા છે. “આ ઊર્જાનો ઇનકાર કરવો એ લાખો લોકોનાં ખુદ જીવનને નકારવા સમાન છે. સફળ આબોહવાનાં પગલાંઓ માટે પણ પર્યાપ્ત નાણાંની જરૂર છે. આ માટે, વિકસિત દેશોએ નાણાં વ્યવસ્થા અને ટેક્નોલોજી તબદિલી અંગેની તેમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની જરૂર છે”, એમ તેમણે ભાર મૂક્યો હતો.
 
પ્રધાનમંત્રી ભારપૂર્વક જણાવે છે કે વૈશ્વિક સહિયારાં માટે ટકાઉપણાને સંકલિત પગલાંની જરૂર છે. “અમારા પ્રયાસોએ આ આંતર-નિર્ભરતાને માન્યતા આપી છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ દ્વારા, અમારો ઉદ્દેશ "એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રિડ" છે. આપણે દરેક સમયે દરેક ઠેકાણે વિશ્વવ્યાપી ગ્રિડમાંથી સ્વચ્છ ઊર્જાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવું જોઈએ. આ "સમગ્ર વિશ્વ" અભિગમ છે જેના માટે ભારતનાં મૂલ્યો સૂચવે છે", એમ તેમણે વધુ વિગતવાર જણાવ્યું હતું.
 
આપત્તિ-સંભવિત વિસ્તારોની ચિંતાઓને ધી કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (C.D.R.I.) અને "ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિઝિલિઅન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ" જેવી પહેલો દ્વારા સંબોધવામાં આવી છે. દ્વીપ વિકસતા દેશો સૌથી વધુ સંવેદનશીલ છે અને તેથી તેમને તાત્કાલિક રક્ષણની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.
 
પ્રધાનમંત્રીએ LIFEની બે પહેલ - પર્યાવરણ માટે જીવનશૈલી અને પ્રો પ્લેનેટ પીપલ (3-Ps)નો પુનરોચ્ચાર કર્યો હતો. આ વૈશ્વિક ગઠબંધનો વૈશ્વિક સહિયારાપણાંને સુધારવા માટેના આપણા પર્યાવરણીય પ્રયાસોનો પાયો બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.