રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (13:30 IST)

ભાજપ સંગઠન અને સરકાર વચ્ચેનો તાલમેલ કરાવવા પ્રભારી યાદવ ગુજરાત આવ્યા, પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ સાથે બેઠકો કરશે

ગુજરાત ભાજપના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે. જેમાં ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે.

કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.કોબા ગાંધીનગર હાઈવે પર આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજે બેઠકને સંબોધન કરવા આવ્યા હતા. જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, કોર ટીમના સદસ્યો પુરૂષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં, આર.સી ફળદુ, સુરેન્દ્ર પટેલ(કાકા), શંકર ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તેમજ ભાજપા ગુજરાત પ્રદેશના સંગઠનના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા પરિવારો વેરવિખેર થઈ ગયા. હોસ્પિટલમાં બેડની અછત, ઓક્સિજનની અછત, દવાઓ તથા ઈન્જેક્શનોની અછત, જેવા અનેક કારણોથી લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. એવામાં સરકાર સામેનો રોષ લોકોમાં ભભૂકી ઉઠ્યો છે. કપરા સમયમાં નેતાઓ પણ લોકોની વચ્ચે દેખાતા નહોતા. એવામાં નેતાઓને ફરીથી લોકો વચ્ચે જઈને તેમનો વિશ્વાસ જીતવા માટે તથા આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આ મતદારોના મિજાજ પારખી શકાય તેની તૈયારી ભાજપે શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે.