GSEB HSC Result 2022- રાજકોટમાં કારખાનામાં મજૂરી કરતા પિતાની પુત્રીને 99.99 ટકા આવ્યા
આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજકોટમાં પિતાના પરસેવાનું પરિણામ દીકરીઓએ હાંસલ કરી બતાવ્યું છે. રાજકોટમાં કારખાનામાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રી હર્ષિતા કડીએ 99.99 PR મેળવ્યા છે.
હર્ષિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, મારે 99.99 PR આવ્યા છે અને મારા પપ્પા કારખાનામાં મજૂરી કામ કરે છે. ઘરેથી મને ભણવા માટે બહુ જ સાથ આપે છે. આ રિઝલ્ટ પાછળ મારા પરિવારનો સાથ છે. સ્કૂલની ટેસ્ટમાં ક્યારેક ઓછા માર્ક આવતા. પરંતુ ઓછા માર્ક આવવાને કારણે મેં મહેનત વધારી અને આટલું સારું પરિણામ લાવી શકી. મારે આગળ સીએ બનવાનું સપનું છે. બીજી તરફ રાજકોટના ગોંડલની દેવાંગી આશિષભાઈ દેવળીયાએ 99.99 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. દેવાંગીનાં પિતા આશિષભાઈ સુથારી કામ કરે છે. દેવાંગીએ જણાવ્યું હતું કે, ધો. 12માં સ્કૂલનાં 7 કલાક સિવાય રોજની હું 6થી 7 કલાકની નિયમિત મહેનત કરતી હતી. હું મારા આ પરિણામનો તમામ શ્રેય મારા માતા-પિતા અને મારા ગુરૂજનોને આપું છું.હવે મારે આગળ BCAનો અભ્યાસ કરી સોફ્ટવેર ડિઝાઇનર બનવાનું સપનું છે.