રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 એપ્રિલ 2020 (15:40 IST)

બફરઝોનમાં હેલ્થ ચેકઅપ માટે મેગા સર્વે, કેસો વધવાની સંભાવના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરના પૂર્વ કોટ વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને રોકરવાના સઘન પ્રયાસો હાથ ધર્યા છે. સતત બીજા દિવસે બફરઝોન ગણાતા આ વિસ્તારમાં આરોગ્યની ટીમો ઉતારી દેવામાં આવી છે જેમાં તમામ હોટસ્પોટ વિસ્તારના ઘરના લોકોનું હેલ્થ ચેકઅપનો મેગા સર્વે હાથ ધરાયો છે. એએમસીના હેલ્થ વિભાગની ટીમો ઘરે ઘરે જઈને અહીંના સ્થાનિકોના આરોગ્યની તપાસ કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સર્વેમાં મધ્ય ઝોનના છ વોર્ડમાં હેલ્થ વિભાગ તેમજ પીએચસીના બે હજારથી વધુ કર્મીઓ જોડાયા છે. અન્ય ઝોની ટીમો પણ આ સર્વેમાં જોડાઈ છે. કુલ એક હજારથી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 100-200 કેસો સામે આવી તેવી ભીતિ સેવાઈ રહી છે. આગામી દિવસો અમદાવાદવાસીઓ માટે મહત્વના છે. સ્થાનિક સ્તરે સંક્રમણના કેસો સામે આવવાથી લોકોએ વધુ સાવચેત રહેવું પડશે. લોકડાઉનનો કડક અમલ કરવામાં આવે અને લોકો ઘરમાં સુરક્ષિત રહે તે જ ઈચ્છનિય છે. લઘુમિત વિસ્તારોમાં હજુ કેટલાક લોકો કામગીરીનો વિરોધ નોંધાવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોની સમજાવટ છતા પણ કામગીરીમાં સહકાર આપી નથી રહ્યા. શહેરના કોટ વિસ્તારમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. બુધવારથી જ નહેરુબ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એલિસબ્રિજનો એક બાજુનો ભાગ (ટાઉનહોલથી લાલદરવાજા તરફનો) બંધ કરી દેવાયો છે અને ખમાસાથી વીએસ તરફનો એક જ ભાગ વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શહેરના દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા સહિતના મહત્વના દરવાજા પર હેલ્થના સ્ટાફ સાથે પોલીસની ચેકપોસ્ટ બનાવવામાં આવી છે જ્યાં કોઈ વ્યક્તિ બહાર ફરતી જણાય છે તે તેનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે તેમજ થર્મલ સ્કેનિંગ પણ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે.