બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (09:37 IST)

ગુજરાતના ખાનગી સ્કૂલ-સંચાલકો બાળકોને શાળામાં જ વેક્સિન આપવા તૈયાર

ભારતમાં બાળકોને લગાવી શકાય એવી કોરોનાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, પણ સરકારે હજુસુધી તેમના વેક્સિનેશન માટેની પરમિશન આપી નથી. જોકે ગુજરાત સરકારે સ્કુલ-કોલેજમાં વેક્સિનેશન કેમ્પસ શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. રાજ્રય સરકારે અગાઉ ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરી હતી અને હવે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની પરવાનગી આપી છે.

જોકે કોરોનાના ડરથી વાલીઓ હજુ પણ બાળકોને સ્કૂલે મોકલતા અચકાય છે ત્યારે ખાનગી શાળા-સંચાલકોએ સ્કૂલે આવતા 12 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જ વેક્સિન અંગે તૈયારીઓ કરી છે.  રાજ્યમાં 16,200 જેટલી પ્રાઇવેટ પ્રાથમિક અને હાઇસ્કૂલ છે. વાલીઓ મંજૂરી આપે તો શાળા-સંચાલકો તેમની શાળામાં જ બાળકોના વેક્સિનેશન માટે તૈયાર છે. હવે સ્કૂલ્સ શરૂ થઈ છે ત્યારે મંડળ તરફથી પણ સરકારને સ્કૂલમાં જ વેક્સિનેશન માટે રજૂઆત કરીશું. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત રાજ્યભરની મંડળની 7000થી વધારે સ્કૂલો વેક્સિનેશનની કામગીરી માટે તૈયાર છે, પરંતુ એની વિતરણ વ્યવસ્થા કેવી રીતે થાય છે એના પર બધો આધાર છે.ભારત સરકારે આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં બધા જ શિક્ષકોને કોરોના વેક્સિનના સુરક્ષા કવચ અન્વયે આવરી લેવા રાજ્યોને આપેલા દિશા નિર્દેશને પગલે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ સંદર્ભમાં જણાવ્યું છે કે, શાળા-કોલેજોમાં કોરોના વેક્સિનેશન કેમ્પ માટે જિલ્લાઓને વેક્સિનનો વધારાનો જથ્થો પણ ફાળવવાની સૂચનાઓ કોર કમિટિમાં મુખ્યમંત્રીએ આપી છે.