કલા જગતને લાગ્યો ભગવો રંગ, ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારો ભાજપમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત ગાંધીનગર કોબા સ્થિત કમલમ્ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતીમાં બોલીવુડ અને ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદાર ભાજરપમાં જોડાયા છે. આ સિવાય કલા જગત, બિઝનેસ જગતના અરવિંદ વેગડા, પુજા પ્રજાપતી, પુજા પંડ્યા, પ્રદિપ ત્રિવેદી, ધવલ સુથાર, કુણાલ ભટ્ટ, પુજા પંડ્યા, સોફિયા કચેરીયા, પિંકીબેન દોશી, ડૉ. નેહલ સાધુ, દિપાલી સોની, રાકેશ પુજારા સહિતના ભાજપમાં જોડાયા છે. આ અગાઉ ગઇકાલે ગુજરાતી લોક ગાયક કિંજલ દવે ભાજપમાં જોડાયા હતા. જે બાદ હવે આ જે ગુજરાતી કલા જગત અને બિઝનેસ જગતના લોકો જોડાતા તેવું કહી શકાય કે, કલા જગતને ભગવા રંગ લાગ્યો છે.એશ્વર્યા મજમુદારે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે જે પક્ષ રાજ્યનું સારૂ કરતો હોય, દેશનું સારૂ કરતો હોય અને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડતો હોય તેની સાથે એક નાનકડા ભાગ તરીકે જોડાવું ગૌરવની વાત છે. ફક્ત હું જ નહીં મારી આખી પેઢી વડાપ્રધાન મોદીથી પ્રેરાય છે અને તેમનાતી પ્રેરાઈને જ હું ભાજપમાં જોડાઈ છું. હું દેશનું સારૂ થાય તેવું ઇચ્છું છું અને મારી સમજ પ્રમાણે ભાજપથી વધારે કોઈ દેશનું સારૂ કરી શકે તેવું મને લાગતું નથી.અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે આમ તો હું વર્ષ 2012થી ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. જ્યારે પીએમ મોદી રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે જોડાવા માટે કહ્યું હતું. 7 વર્ષો દરમિયાન ભાજપના અનેક કાર્યક્રમોમાં પ્રસારના માધ્યમોમાં જોડાયો છું. પીએમ મોદીની વિચારાધારાથી પ્રભાવીત છું તેથી જ ભાજપમાં જોડાયો છું.કિંજલ દવેએ જણાવ્યું હતું કે મારા દાદાઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડેલા. દેશના વડાપ્રધાન મોદીથી પ્રેરાઈને હું આજે પ્રાથમિક સદસ્ય બની છું કિંજલે કહ્યું કે હું ભાજપમાં જોડાઈ છું પરંતુ તેનો મતલબ એવો નથી કે કોંગ્રેસના કાર્યક્રમો ન કરી શકું. ગાયન મારો વ્યવસાય છે અને તેના માટે હું કોઈ પક્ષને અણદેખો નહીં કરૂ, જયારે ચૂંટણી લડીશ ત્યારે વાત અલગ છે. અત્યારે તો હું 18 વર્ષની જ છું મારૂ વોટર આઇડી જ હમણા બન્યું છે.