આજથી અક્ષરધામ મંદિરના દ્વાર થશે બંધ, જાણો ક્યારે ખુલશે દ્વાર
અમદાવાદમાં આજથી 57 કલાકનો ફરફ્યૂ લગાવવામાં આવ્યો છે. શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને જોતાં ગાંધીનગરના અક્ષરધામ મંદિરને 20 થી 23 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદની માફક અક્ષરધામ મંદિરને પણ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ધામિક સ્થળો પર ભક્તોની ભીડ એકઠી ન થાય એટલા માટે સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનિંગ નથી. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, આ વિકેન્ડ કર્ફ્યુ છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાતને અફવા ગણાવી હતી. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ માત્ર તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યું છે.
શનિવાર અને રવિવારે રજાના દિવસ હોવાથી અક્ષરધામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટતી હોય છે. સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને 20 નવેમ્બર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.