શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 9 જૂન 2021 (12:00 IST)

ખાનગી હોસ્પિટલના તબીબોએ આંખ કાઢવી પડશે તેમ કહ્યું... સિવિલ હોસ્પિટલના તબીબોએ સામાન્ય સારવારથી કર્યા સાજા

આલોકભાઇ કોરોનાથી સાજા થયા બાદ મ્યુકરમાઇકોસીસમાં સપડાયા. મ્યુકરમાઇકોસીસની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. રોગની ગંભીરતા એટલી વધી ગઇ કે આલોકભાઇએ દ્રષ્ટિ ગુમાવવી પડી. ખાનગી હોસ્પિટલના તબીબોએ આંખ કાઢવા પણ કહ્યું હતુ. જેથી ચહેરો બેડોળ બની જવાની સંભાવના હતી. જેથી બીજો અભિપ્રાય લેવા આલોકભાઇ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.
 
સિવિલ હોસ્પિટલના તબીબોએ બધા રીપોર્ટસના આધારે કહ્યું કે, આંખ કાઢવાની કોઇ જરૂર નથી. સામાન્ય દવા થી મ્યુકરમાઇકોસીસ રોગ પર નિયંત્રણ મેળવી શકાશે. મ્યુકરમાઇકોસીસની ફંગસ મગજ સુધી પહોંચી નથી.
 
સમગ્ર વાત એવી છે કે, બિહારમાં રહેતા ત્રીસ વર્ષીય આલોક ચૌધરી દિલ્હીમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. કોરોનાની બીજી લહેરમાં જ્યારે તેઓ પાલનપુર પોતાના ભાઇના ત્યાં આવ્યા ત્યારે કોરોનાથી સંક્રમિત થયા. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સમગ્ર સારવાર મેળવી. સારવાર દરમિયાન સ્ટેરોઇડ્સના ઉપયોગ અને 10 દિવસ ઓક્સિજન સપોર્ટ પર રહેવાના કારણે તેઓને મગજના ડાબી બાજુના ભાગમાં એકા-એક પીડા શરૂ થઇ.
 
જે કારણે તેઓએ ખાનગી ઓપ્થેલમોલોજીસ્ટ(આંખના તબીબ)ને બતાવ્યુ. તેઓએ સામાન્ય દવા આપીને ઘરે જઇ આરામ કરવા કહ્યું. પરતું તે દવા થી કંઇ ફરક પડી રહ્યો ન હતો. આલોકકુમારની પીડામાં વધારો થઇ રહ્યો હતો. જે કારણોસર તેમના ભાઇએ તેમને અમદાવાદમાં સારવાર માટે જવા કહ્યું. આલોકભાઇ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા. 
 
ત્યાંના તબીબોએ એમ.આર.આઇ. રીપોર્ટ કરાવ્યું. એમ.આર.આઇ.ના આધારે મ્યુકરમાઇકોસીસ હોવાનું નિદાન થયુ. જેથી તેની સર્જરી કરીને ત્યારબાદ મેડીસિન સારવાર પધ્ધતિ પર રાખવામાં આવ્યા. એમ્ફોટોરેસીની બી ઇન્જેકશનની સારવાર શરૂ કરવામાં આવી.
 
ખાનગી હોસ્પિટલના તબીબોએ આલોકભાઇના બ્લડ રીપોર્ટસ, બાયોપ્સી અને કેઓએચ(KOH)રીપોર્ટ કરાવ્યા. જેમાં ઘણી વિષમતાઓ જોવા મળી રહી હતી. બાયોપ્સીમાં મ્યુકરનું ફંગસ નેગેટીવ અને કેઓએચ રીપોર્ટમાં પોઝીટીવ આવી રહ્યો હતો. 
 
જેથી  આલોકભાઇની ફરી એમ.આર.આઇ. કરવામાં આવી.જેમાં મ્યુકર ફંગસનું ઇન્ફેકશન બ્રેઇનમાં હોવાનું જણાઇ આવ્યું. આંખ થકી મગજ સુધી પહોંચેલ મ્યુકર જેનાથી રેટીનલ હેમરેજ થવાની સંભાવનાઓ રહેલી હતી. જેને અટકાવવા માટે તબીબોએ  આંખ કાઢવી પડશે તેમ કહ્યું. જેથી આલોકભાઇ અને તેમનો પરિવાર ચિંતાતુર બન્યો. 
 
આલોકભાઇએ તબીબોનો અન્ય અભિપ્રાય લઇ સર્જરી અને સારવાર કરાવવા હેતુથી સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. સિવિલમાં ન્યુરોલોજીસ્ટને તમામ રીપોર્ટસ બતાવતા તેઓએ મ્યુકર મગજ સુધી પહોચ્યુ ન હોવાનું તારણ કાઢ્યુ અને આંખની સર્જરી કરવાની કોઇ જરૂર નથી તેમ કહ્યું.
 
પરંતુ કેટલાક કિસ્સામાં લાંબાગાળે દ્રષ્ટિ પૂર્વવત થવાની અથવા તેમાં સુધાર થવાની સંભાવનાઓ રહેલી હોય છે.જે જુસ્સા સાથે આજે આલોકભાઇ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે સાજા થઇ મ્યુકરમાઇકોસીસને મ્હાત આપીને ઘરે પરત ફરવા તૈયાર છે.
 
આલોક ચૌધરી કહે છે કે : ”સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવીને મને નવજીવન પ્રાપ્ત થયુ છે.સિવિલ હોસ્પિટલના તબીબોની સારવાર પ્રત્યેની પરિપક્વતા ખાનગી તબીબોની સરખામણીમાં ઘણી વધુ છે તેમ મેં સિવિલ હોસ્પિટલમા સારવાર મેળવ્યા બાદ અનુભવ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબોના અનુભવના આધારે જ આજે હું આંખ ગુમાવવાથી બચી શક્યો છે. ચહેરો બેડોળ બનતા અટક્યો છે.