શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2023 (11:46 IST)

હાર્ટ એટેકથી મોત મામલે ગુજરાત સરકારના બે મંત્રીઓના નિવેદનોમાં વિરોધાભાસ

Minister Rishikesh Patel
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. આમ છતાં રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, હાર્ટ એટેકના કેસમાં કોઈ વધારો થયો નથી. આ વચ્ચે હવે રાજ્ય સરકારના બે મંત્રીઓ વિરોધાભાસી નિવેદનો સામે આવી રહ્યા છે.


સમગ્ર રાજ્યમાં શિક્ષકોને CPRની તાલીમ આપવા માટેના કાર્યક્રમની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 1,052 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જેમાં 80% મૃતકોની ઉંમર 11થી 25 વર્ષ છે. આ દરમ્યાન મંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યભરમાંથી 2 લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ આપવામાં આવશે, તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે. જોકે, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકથી 1052 લોકોના મૃત્યુના નિવેદનને રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નકારતા કહ્યું કે, ‘શિક્ષણ મંત્રીએ જે આંકડા આપ્યા છે, તેવા કોઈ આંકડા મારી પાસે નથી. ઋષિકેશ પટેલે કહ્યું કે, હાર્ટ એટેક પહેલાં પણ આવતા હતા, પણ અત્યારે મીડિયા દ્વારા હાર્ટ એટેકની જાગૃતિ લાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ આની વિસ્તૃત માહિતી યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા જાહેર કરી હતી. હાર્ટ એટેક બાબતે આપણે ત્યાં જાગૃતિ આવી છે. આ બાબતને સરકાર સકારાત્મક રીતે જુએ છે.