રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 3 ઑગસ્ટ 2019 (13:18 IST)

Rain in Rajkot photo - વડોદરા બાદ મેઘરાજાએ રાજકોટને ધમરોળ્યુઃ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર

વડોદરાને ધમરોળ્યા બાદ મેઘરાજાએ રાજકોટ તરફ વળ્યા છે. શુક્રવાર સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો ગરનાળઆમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. રાજકોટ શહેરમાં કલાકોમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો શહેરમાં આવેલો આજી-2 ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે. 

જેના કારણે શહેરમાંથી પસાર થતી આજી નદી ગાંડીતૂર બની હતી. રાજકોટમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આવેલા માલવિયા કોલેજ પાસેના વિસ્તારમાં રસ્તા પર બે ફૂટ જેટલુ પાણી ભરાયું છે. તો શહેરના અન્ય વિસ્તાર જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. તો અહીં આવેલી આજી નદી બે કાંઠે વહી રહી છે. આ સીઝનમાં મેઘરાજાની બીજીવાર રાજકોટને ધણરોળી રહ્યાં છે. આ પહેલા એજ રાતમાં અહીં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
શુક્રવારે મેઘરાજાએ અચાનક સવારથી જ અનરાધાર હેત વરસાવતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું. માત્ર ચાર કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, તો શહેરના જીવાદોરી સમાન આજી-2 ડેમ છલકાતા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે શહેરમાંથી પસાર થતી આજી નદી ગાંડીતૂર બની હતી.

આજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા આજી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના ધસમસતા પાણીમાં બે યુવકો તણાયા હોવાની ફરિયાદ મળી છે. નદી કિનારે આવેલા રામનાથ મંદિર પાસે આજીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હતો. ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું. તો શહેરના મોચી બજાર નજીક 20 વર્ષનો યુવક પાણીમાં તણાયો હતો. ત્યારે ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતાં જ તેમણે શોધખોળ હાથ ધરી હતી. જો કે, યુવકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

રાજકોટના મોટા મૌવામાં સ્મશાન નજીક આવેલી નદીમાં યુવક તણાયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિકો દ્વારા ફાયર ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની જેહમત બાદ પણ યુવક મળી આવ્યો ન હતો. 
આ સિવાય ભારે વરસાદને કારણે શહેરમાં આવેલા ભક્તિનગર પોલીસે લાલુડી હોકરીમાં બાળકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના ભંડારીયા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. સારા વરસાદને લઈ જસદણ, સરધાર વિસ્તારના અનેક વિસ્તારોમાં આવેલા નાના મોટા ચેક ડેમ ઓવરફ્લો થયા હતા. છલકાયેલા વોકળા અને ડેમ જોવા ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.