શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (12:50 IST)

કલમ-144ના અમલ સામેની રિટમાં સરકારને હાઇકોર્ટની નોટિસ

અમદાવાદમાં કલમ-144ના અમલીકરણના પોલીસ વિભાગના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ રિટ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 22મી જાન્યુઆરીના રોજ નિયત કરવામાં આવી છે. આઇ.આઇ.એમ.(ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ)ના બે પ્રોફેસર સહિત પાંચ અરજદારોની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત છે કે અમદાવાદમાં વર્ષોથી કોઇપણ પ્રકારની પૂર્વ નોટિસ વગર કલમ-144 લાગુ કર દેવામાં આવે છે. 14 ડિસેમ્બરના રોજ જામિયા મિલિય યુનિવર્સિટી સહિતના યુનિવર્સિટી કેમ્પસોમાં પોલીસે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો હતો. જેના વિરોધમાં અમદાવાદમાં આઇ.આઇ.એમ. બહાર 16મી ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્ર થયા હતા. તેઓ કોઇ વિરોધ કરે તેની પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. 17 ડિસેમ્બરના રોજ ગાંધી આશ્રમ બહાર શાંતિપૂર્ણ વિરોધ કરવા આવેલા લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. 19મી ડિસેમ્બરના રોજ ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે થયેલા પ્રદર્શનમાં સામેલ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. અરજદારોનો આક્ષેપ છે કે સરકારનો વિરોધ કરી રહેલા લોકોની અભિવ્યક્તિ કલમ-144નો હવાલો આપી છીનવવામાં આવે છે. તેથી પોલીસ દ્વારા 10મી અને 13મી ડિસેમ્બરના રોજ જારી કરવામાં આવેલા કલમ-144 અંગેના આદેશ રદબાતલ ઠેરવવા અરજદારોની માગણી છે.