શુક્રવાર, 8 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :ગાંધીનગર , સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (18:41 IST)

છેલ્લા બે વર્ષમાં સરકારી પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કેટલો ખર્ચો કર્યો? વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો

- હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચો  - વિપક્ષ
- નવું વિમાન સરકારને ક્યારે મળ્યુ,  બે વર્ષમાં કેટલો ખર્ચો
 - વિમાન ઉડ્યા વગર જ થતા ખર્ચ પર પ્રશ્નોત્તરી 
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારના સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચો થયો તેવો વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ સવાલનો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પ્લેન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનેન્સ, ફ્યુઅલ, પાર્કિંગ, ભાડું, પાઈલોટ અને અન્ય સ્ટાફ માટે છેલ્લા બે વર્ષમાં 58.51 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું હતું. 
 
વિધાનસભામાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સરકારને સવાલ કર્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેઇન્ટેનેન્સ, પાર્કિંગ, ભાડું, ફ્યૂઅલ, પાઈલોટ અને અન્ય સ્ટાફ માટે કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે. આ પ્લેન અને હેલિકોપ્ટરનું મેઈન્ટેનેન્સ ક્યાં અને કોના દ્વારા કરવામાં આવે છે. તેમજ આ ખર્ચો બજેટના કયા હેડ હેઠળ ઉધારવામાં આવે છે. રાજ્ય સરકારે તેમના આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેઇન્ટેનેન્સ, પાર્કિંગ, ભાડું, ફ્યૂઅલ, પાઈલોટ અને અન્ય સ્ટાફ પાછળ બે વર્ષમાં 58.51 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. જેમા એક જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધી 34 કરોડ 26 લાખ 65 હજાર 295 રૂપિયા અને  એક જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 સુધી 24 કરોડ 24 લાખ 55 હજાર 209 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. 
 
2019માં નવું પ્લેન 197 કરોડમાં ખરીદ્યું હતું
બીજા એક સવાલમાં ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, 26 ઓગસ્ટ 2019ના રોજ રાજ્ય સરકારે નવું વિમાન ખરીદવાની મંજૂરી આપી હતી. આ વિમાન સરકારને ક્યારે મળ્યું હતું. આ વિમાન માટે કંપનીને કેટલી રકમ ચૂકવવામાં આવી છે અને તેની પાછળ કેટલી રકમ કઈ એજન્સીને ચૂકવવામાં આવી છે. સરકારે તેમના આ સવાલનો પણ લેખિતમાં જવાબ આપ્યો હતો. સરકારે જવાબમાં કહ્યું હતું કે, નવું વિમાન સરકારને 21 નવેમ્બર 2019ના રોજ મળ્યું હતું. તેના માટે 197.90 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. જેમાં ખર્ચની વાત કરીએ તો એક જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધી મેઈન્ટેનેન્સ પેટે 1 કરોડ 81 લાખ 13 હજાર 99 રૂપિયા અને ઓપરેશન પેટે 8 કરોડ 94 લાખ 86 હજાર 67 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે એક જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 સુધીમાં મેઈન્ટેનેન્સ પેટે 98 લાખ 52 હજાર 726 અને ઓપરેશન પેટે સાત કરોડ 31 લાખ 63 હજાર 674 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.