1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 મે 2022 (17:00 IST)

વડાપ્રધાનના કાર્યક્રમમાં નરેશ પટેલની ગેરહાજરી, પાટીદારોએ હોસ્પિટલ બનાવી પણ નરેશ ભાજપથી દૂર રહ્યાં

naresh patel
જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ હોસ્પિટલના લોકાર્પણમાં ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. છતાં લેઉવા પટેલ સમાજના મોભી નરેશ પટેલે ભાજપથી દૂરી બનાવી કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. નરેશ પટેલ ક્યાં પક્ષ સાથે જોડાશે તે જાહેર કરવામાં તેણે ખૂબ જ ઢીલ રાખી છે. જો ભાજપ પ્રત્યે લગાવ હોય અને પોતાના સમાજના ભવ્ય કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન આવ્યા હોય છતાં નરેશ પટેલ ગેરહાજર રહે તો આ ખૂબ જ સુચક છે કે તેને ભાજપથી એક અંતર જાળવી રાખ્યું છે.

હોસ્પિટલના નિર્માતા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. પરંતુ નરેશ પટેલ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પહેલા જ જણાવ્યું હતું કે, હું નહીં આવી શકું. જોકે, આમંત્રણ સમયે નરેશ પટેલના નામજોગ આમંત્રણ ન આપતા સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. આમંત્રણપત્રિકામાં પણ નરેશ પટેલનું નામ નથી અને માત્ર ખોડલધામનો લોગો હતો.નરેશ પટેલ 31 મેના રોજ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગેનો નિર્ણય જાહેર કરશે તેવું જણાવ્યું હતું. હાલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે પણ નરેશ પટેલની ચર્ચા ચાલી રહી છે. પરંતુ ભાજપના પણ હાઇકમાન્ડ સાથે નરેશ પટેલ ડિનર ડિપ્લોમેસી કરી ચૂક્યા છે. પરંતુ હાલ પટેલ સમાજ સહિત લોકોમાં પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે કે, વડાપ્રધાનની હાજરી અને પાટીદાર સમાજની મેદનીના ભવ્ય સમારોહમાં પાટીદારના મોભી ગણાતા નરેશ પટેલ જ ગેરહાજર રહ્યા.નરેશ પટેલની ગમે તેવી વ્યસ્તતા હોય પરંતુ દેશના વડાપ્રધાન અને મોટી સંખ્યામાં સમાજ ઉમટ્યો હોય છતાં નરેશ પટેલે તેના કાર્યક્રમમાં કોઈ બાંધછોડ કરી નહીં અને હાજરી ન આપી. આ બહુ સુચક વાત છે કે, નરેશ પટેલ ભાજપથી થોડા દૂર રહ્યા છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. આગામી 31મેના રોજ પોતે ભાજપમાં જોડાઇ તેવું અહીં કોઈ ચિત્ર ઉપસતું નથી.