સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (21:24 IST)

રાજ્યભરમાં JEE મેઇનની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ

ધોરણ 12 બાદ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી JEE(જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝમિનેશન) મેઈનની ઓનલાઇન પરીક્ષાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થઇ ગયો છે. કોરોના કાળમાં અનેક ચર્ચા અને વિરોધ બાદ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રથમ સેશનમાં લેવાયેલી પરીક્ષા એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ છે. બેચલર ઓફ આર્કિટેક અને પ્લાનિંગ માટે આજથી શરૂ થયેલી પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી, જેમાં પહેલા સેશનમાં સવારે 9 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી અને બપોરે 12 વાગ્યે પરીક્ષા પુરી થઈ છે. 
પરીક્ષાના આયોજન અને સહેલું પેપર રહેતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા.  13 જિલ્લાના 31 કેન્દ્રો ખાતેથી 38,167 વિદ્યાર્થીઓ JEE (મેઈન) પરીક્ષા આપી હતી. જેમાં આજે આર્કિટેક અને પ્લાનિંગ બ્રાન્ચમાં જવા ઇચ્છતાં આશરે 1500 વિદ્યાર્થીઓ માટે લેવાઈ છે. આવતીકાલ બુધવારથી JEE B.E અને બી.ટેક માટેની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં અમદાવાદમાં આશરે 8000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અમદાવાદના બોપલમાં અને ઓઢવમાં બે એમ ત્રણ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ છે. આજે સવારે ત્રણ કલાકની ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી જે સરળ રહી હતી. પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું. માસ્ક ફરજીયાત પહેર્યું હતું. પરિક્ષામાં એજન્સી દ્વારા પરીક્ષા સેન્ટરની બહાર સેનેટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
 
પરીક્ષા બાદ પેપર એકંદરે સરળ રહ્યા હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું. પરીક્ષાર્થી મનીષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોરોનાનો ડર ઘણા સમયથી હતો. તેની વચ્ચે તૈયારી કરી હતી. ખૂબ ડરનો માહોલ હતો. પરીક્ષા લેવાશે કે કેમ તેને લઇને છેક સુધી અસમંજસ હતું પરંતુ આજે પેપર આપ્યું તેમાં ઘણા સહેલા સવાલો પુછાયા હોય તેવું લાગ્યું હતું.જો કે એકંદરે પરીક્ષા સારી રહી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રાઈવેટ યુનિ.ઓની પ0 ટકા બેઠકોમાં પ્રવેશા માટે જેઈઈ મેઈનો સ્કોર ધ્યાને લેવાય છે જ્યારે બાકીની તમામ કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ લેવાય છે. ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે ગત  વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષમાં બે વખત જેઈઈ મેઈન લેવાનું શરૂ કરાયુ છે. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામની મુખ્ય લેખિત પરીક્ષા અગાઉ સીબીએસઈ દ્વારા એક જ વાર લેવાતી હતી.