શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2024 (09:25 IST)

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ, જાણો કોને મળશે લાભ

રાજ્યના ખૂણે-ખૂણે ગુણવત્તાલક્ષી શિક્ષણને પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે.
 
ગુજરાતના આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દિકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. 50 હજારની સહાય આપવામાં આવે છે.
 
 નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૫૦ હજારની સહાય- 
આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દિકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ. ૧૭૪ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ દરમિયાન માસિક રૂ.૫૦૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ. ૧૦ હજાર તથા ધોરણ ૧૦માં ઉતીર્ણ થયા બાદ રૂ. ૧૦ હજાર આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ ૧૧ અને ૧૨માં વિદ્યાર્થીનીઓને માસિક રૂ.૭૫૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ. ૧૫ હજારની સહાય તથા ધોરણ ૧૨માં ઉતીર્ણ થયા બાદ રૂ. પાંચ હજારની સહાય આપવામાં આવે છે આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. ૧,૨૫૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.
 
નમો સરસ્વતી યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦ ની સહાય 
૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ ખુબ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા આ યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂ. ૪૦ કરોડથી વધુની સહાય ચુકવાઈ છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ-૧૧માં માસિક રૂ.૧૦૦૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ.૧૦ હજાર અને ધોરણ-૧૨ માં માસિક રૂ.૧૦૦૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ.૧૦ હજારની સહાય ચૂકવાય છે. ધોરણ ૧૨માં ઉતીર્ણ થયા બાદ પાંચ હજાર મળીને કુલ રૂ. ૨૫ હજારની સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂ.૨૫૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.
 
વધુમાં આ યોજનાનો લાભ જે વિદ્યાર્થીઓ ધો-૧૦ની બોર્ડ પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત સ્વ નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને જ લાભ મળે છે.