રાજકોટમાં લેપ્ટોસ્પાયરોસિસ નામના પ્લેગનો શંકાસ્પદ કેસ સામે આવ્યો
રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસ નામના રોગનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. બેડીપરામાં રહેતા પશ્ચિમ બંગાળના યુવાનની તબિયત ખરાબ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક તપાસમાં લેપ્ટોસ્પાયરોસિસ જણાતા તુરંત જ મનપાની આરોગ્ય શાખાને જાણ કરાઈ હતી. જેને પગલે આરોગ્ય અધિકારી ડો. રીંકલ વીરડિયાએ તુરંત કાર્યવાહીના આદેશ આપતા યુવકના સેમ્પલ લઈને સુરતની લેબમાં તપાસાર્થે મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત શનિવારે મનપાની આરોગ્ય શાખા બેડીપરામાં સઘન તપાસ હાથ ધરી ક્યાં બેક્ટેરિયા હોઈ શકે તે તપાસ કરશે તેમજ યુવક દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી તે સહિતની વિગતોની માહિતી લેવાશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. લેપ્ટોસ્પાયરોસિસ પણ એક પ્રકારનો પ્લેગ છે જે ઉંદર જેવા પ્રાણીઓના મળમૂત્રથી ફેલાય છે. પગમાં ઈજા કે વાઢિયા પડ્યા હોય અને સંક્રમિત મળમૂત્રના સંપર્કમાં આવે એટલે આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી જાય છે આ જ કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ખેતરોમાં ખુલ્લા પગે કામ કરતા મજૂરો અને ખેડૂતોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. રાજકોટમાં પાંચ વર્ષ પછી પ્રથમ કેસ નોંધાયો છે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો માથું દુ:ખે, તાવ આવે, સ્નાયુઓમાં દુખાવો થાય, આંખો લાલ થઈ જાય, લિવર પર સોજો આવે, લાલ ચકામા, રક્તસ્ત્રાવનો ઉલ્લેખ છે.