મેયર મેંગો ફેસ્ટિવલને મેયર ખુલ્લો મૂકે એ પહેલા જ લોકોએ કેરી ખરીદી કરી લીધી
કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદમાં આજથી 15 દિવસ માટે મેંગો ફેસ્ટિવલ શરૂ થયો છે. જો કે, મેયર ઉદઘાટનનો તાયફો કરે એ પહેલા જ લોકોએ કેરી ખરીદી કરવાનું શરૂ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એક તરફ કોરોનાનાં કેસો વધી રહ્યા છે. લોકો કોરોનાનાં ભોગ બની રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકાર દ્વારા મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન મેયર બીજલ પટેલે કર્યું હતું. જો કે કોર્પોરેશનના આ મેંગો ફેસ્ટિવલના ઉદઘાટનના તાયફાનો ફિયાસ્કો થયો છે. વહેલી સવારે 8 વાગ્યે મેયરને હસ્તે આ ઉદઘાટન થવાનું છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે મેયર 8 વાગ્યે આવવાની જગ્યાએ 10 વાગ્યે આવવાનો સમય કરી દેતાં લોકો અકળાયા હતા અને કેરીની ખરીદી શરૂ કરી દીધી હતી. મેયરના ઉદઘાટનની રાહ જોયા વગર લોકો કેરી લઈ જતા રહ્યા હતા. મેયર તરફથી ખેડૂતો આવ્યા ન હોવાનું કહી 10 વાગ્યે આવ્યા હતા. જો કે, માત્ર દેખાડા પૂરતું ઉદઘાટન રહી ગયું હતું. કોરોનાની મહામારી વચ્ચે મેયર અમદાવાદીઓ કેરી વગર ના રહી જાય માટે આયોજન કર્યું હોવાનું કહ્યું હતું. કોરોના મહામારી વચ્ચે આજે 26 મેથી સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી ગુજરાતભરની જુદી જુદી જાતની કેરીઓનું વેચાણ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઊભા કરાયેલા ખાસ કેરી બજારને મેયર સવારે 10 વાગ્યે ખુલ્લું મુક્યું હતું. સોશિયલ ડિસ્ટસિંગ અનિવાર્ય છે ત્યારે કેરી વેચાણસ્થળે લોકો કેવી રીતે તેનું પાલન કરશે તે સવાલ છે. જોકે, મેંગો ફેસ્ટિવલમાં લોકોએ સાવચેતી રાખીને ઉદઘાટન પહેલા જ કેરી ખરીદીને સાવચેતીના સંકેત આપી દીધા હતા. કેરીઓના વેચાણ કેન્દ્ર પરથી રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેડૂતો અને વેપારીઓ અંદાજે સો જેટલા સ્ટોલ પરથી તાલાલા ગીર ની પ્રખ્યાત કેસર કેરી વલસાડની હાફૂસ કેરી લંગડો સહિત વિવિધ પ્રકારની ઓર્ગેનિક કાર્બન અને કેમિકલ મુક્ત કેરીઓનું વ્યાજબી ભાવે વેચાણ કરવા આયોજન કર્યું છે.