ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2020 (15:48 IST)

ગુજરાતના દરિયા કિનારે હુમલાની આશંકા, માછીમારોને કોસ્ટગાર્ડનો સંપર્ક કરવા સૂચના

રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયા કિનારે દેશ વિરોધી તત્વો દ્વારા હુમલો અને ઘુસણખોરી થવાની પણ આશંકા વ્યક્ત કરી છે. જેને પગલે ફિશરિઝ વિભાગે પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોના માછીમારોને પત્ર લખી જાણ કરી છે. પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકને માછીમારોને લખેલા પત્ર મુજબ, 11, 14,15,17,19,21, 22 અને 23મે દરમિયાન દરિયા કિનારે દેશ વિરોધી તત્વો દ્વારા હુમલો તથા ઘુસણખોરી થવાની શક્યતા ગાંધીનગર કોસ્ટગાર્ડે વ્યક્ત કરી છે. જેને લઈ જિલ્લાના તમામ માછીમારોને સૂચના આપવામાં આવે છે કે જિલ્લાના લેન્ડિગ પોઈન્ટે કોઈ શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યક્તિ, બોટ દેખાય તો પોલીસ અને કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો. દરેક બોટ કે હોડી માલિકોએ ગાર્ડ પાસેથી સામાજિક દૂરી જાળવી ટોકન લીધા બાદ માછીમારી માટે જવું તેમજ મૂવમેન્ટ બૂકમાં નોંધાયા મુજબના જ ટંડેલ-ખલાસીને માછીમારી માટે અશલ ઓળખકાર્ડ તથા તમામ જરૂરી દસ્તાવેજો સાથે મોકલવા. જો કોઈ ટંડેલ બીમાર લાગે તો માછીમારી કોવિડ 19 પેનડેમિકની માર્ગદર્શિકા મુજબ મેડિકલ સ્ક્રિનિંગ કરાવવું. કોઈ માછીમારે નો ફિશિંગ ઝોનમાં જવું નહીં. જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો કોવિડ 19ની પેનડેમિકની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવામાં આવશે