ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 મે 2019 (11:32 IST)

મોડાસામાં વરઘોડો કાઢવા મુદ્દે થયેલા પત્થરમારા બાદ ગામમાં પોલીસ ખડકી દેવાઈ

મોડાસામાં લગ્નનો વરઘોડો કાઢવા મુદ્દે થયેલા પત્થરમારા બાદ સ્થિતિ વધુ વણસે તેવી ભીતી સેવાઈ રહી છે ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લાની પોલીસને કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે ખભીંસર ગામમાં ખડકી દેવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વરરાજાના પિતાએ વરઘોડો કાઢવાનું મોકૂફ રાખી સાદગીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગામમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે બન્ને સમાજના આગેવાનો સાથે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ ઘટનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો અને પોલીસ સામે તપાસ કરી પગલા ભરવાની ખાતરી આપતા હાલ ખંભીસર ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે. આ મુદ્દે વરરાજાના પિતા ડાહ્યાભાઈ રાઠોડે કહ્યું કે, અમારી સાથે અન્યાય થયો છે. અમે દલિત હોવાથી અમને ટાર્ગેટ કર્યાં છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે માર માર્યો. અમને કોઈ ન્યાય મળ્યો નથી. લગ્ન પૂર્ણ થયા બાદ અમે ફરિયાદ કરીશું. અત્યારે ફરિયાદ કરીએ તો લગ્ન ન થવા દે.જો અમને ન્યાય નહિં મળે તો અમે ધર્મ પરિવર્તન કરીશું. સમાજના બધાને બૌદ્ધ ધર્મ અપનાવવા અપીલ કરીશ. આજે વરઘોડો નહિં કાઢીએ. સીધી જાન લઈને સામે પક્ષના ઘરે જઈને પ્રસંગ પૂર્ણ કરીશું. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા મુજબ, ખંભીસર ગામમાં વરઘોડા કાઢવા બાબતે ઘર્ષણ થયા બાદ બે જિલ્લાનો સ્ટાફ અને એસઆરપી ગામમાં આવી પહોંચી છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. ગઈકાલે અમે બંને સમાજના લોકો સાથે બેઠક યોજીને બેઠકમાં વહીવટીતંત્ર હાજર હતું. અશાંતિ ફેલાવનાર સામે કાર્યવાહી થશે. પોલીસે સમજાવટ સહિતના તમામ પ્રયત્ન કર્યા હતા. જે પણ પોલીસ અધિકારી જવાબદાર હશે, તે લોકો સામે પણ તપાસ થશે. પરિવારજનોએ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ મુકેલા આરોપની પણ તપાસ કરીશું.