1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 29 માર્ચ 2024 (18:50 IST)

જાણો ક્યારથી શરૂ થશે નર્મદામૈયાની પરિક્રમા, શ્રદ્ધાળુઓ માટે અહીં કાચો પુલ તૈયાર કરાશે

narmada parikrama
narmada parikrama
નર્મદા જિલ્લામાં આગામી 8મી એપ્રિલથી ૮મી મે 2024 એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે 28મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં સમગ્ર પરિક્રમા વૈકલ્પિક રૂટનું સંયુક્ત ટીમ દ્વારા નિરીક્ષણ ગઇકાલે કરવામાં આવ્યું હતું. પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે કલેકટરએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પરિક્રમા સબંધિત બેઠક યોજી પરિક્રમા સંદર્ભે કેટલીક મહત્વની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. 
 
તિલકવાડા વચ્ચે હંગામી કાચો પુલ બનાવાશે
ત્યારબાદ પરિક્રમા રૂટ ઉપર તિલકવાડા તરફના ઘાટ ખાતે પહોંચી સ્થાનિક આગેવાનો, સાધુસંતો સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી. પરિક્રમાવાસીઓને સુગમતા-સલામતી રહે તે બાબતે ભાર મુકાયો હતો. વધુમાં નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો પુલ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધિન આપી હોય ત્યાં પુલ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા બનશે.આ હંગામી કાચો પુલ બનતા શ્રદ્ધાળુઓ ચાલીને નદી પાર કરી શકશે.તિલકવાડાથી પરિક્રમા પથ ઉપર પસાર થઈ રેંગણ ગામ પાસે આવેલા કીડી મંકોડી ઘાટ ખાતે નાવડીના સંચાલન અંગે નિરીક્ષણ કરી જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.નદીમાં પાણી ઉંડુ અને મગરની મોટી માત્રાના કારણે નદીમાં જોખમ રહેતું હોય છે અને શ્રધ્ધાળુઓની સંખ્યા હજારોની માત્રામાં આવતી હોય છે. 
 
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરાયો
રામપુરા- કીડી મંકોડી-રેંગણ ઘાટ વચ્ચે નાવડી ચલાવવાની મંજૂરી ન મળે તો તેવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે.ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા, બેરીકેટીંગ, સાઇન બોર્ડ, છાયડાની વ્યવસ્થા, ચેંજીગ રૂમ, મોબાઇલ ટોયલેટ, કંટ્રોલ રૂમ, પીવાના પણીની વ્યવસ્થા, સ્વૈચ્છીક સંગઠનો દ્વારા સેવાકેન્દ્રો વગેરે જેવી બાબતો ઉપલબ્ધ કરાવવા અંગે સ્થાનિક આગેવાનો સાધુસંતો સાથે પરામર્શ કરાયું હતું. પરિક્રમાના નોડલ અધિકારી પણ નિયુક્ત કરાશે. નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકાર કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે.