રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2017 (12:40 IST)

ગુજરાતમાં રાજકિય પક્ષોના ધારાસભ્યો સત્તાવાર રીતે ખેડૂત બની ગયાં

ગુજરાત વિધાસનભામાં ચૂંટાઇ આવેલા ભાજપ-કોંગ્રેસ સહિતનાં ૫૦ ટકાથી વધુ ધારાસભ્યો   સત્તાવાર રીતે 'ખેડૂત'જ બની ગયા છે. તેઓ ગૃહની અંદર ખેડૂત પ્રતિનિધિત્વ કરનારાઓની સંખ્યા વધુ હોવા છતાં ગુજરાતનાં ખેડૂતોનાં પ્રશ્નો ઓછા થતા નથી. કૃષિ વિષયક ઉદ્યોગને પ્રોત્સાહન મળે કે ખેડૂતોનું ભલું થાય તેવી ચર્ચા પણ તેઓ ગૃહમાં કરતા નથી. વિધાનસભાનાં સત્તાવાર રેકર્ડ મુજબ, ૧૯૬૨-૬૭ની ચૂંટણીમાં ૧૯.૪૮ ટકા ખેડૂતો ચૂંટાયા હતા. ત્યારપછીની ચૂંટણીમાં માંડ સાત ટકા બચ્યા હતા. જોકે, ૧૯૮૫-૯૦ની ચૂંટણી વખતે સંખ્યા વધીને ૫૨.૭૫ ટકાની થઇ હતી. ત્યારથી લઇને છેલ્લી એટલે કે ૨૦૧૨ની ચૂંટણી સુધી ખેડૂત ધારાસભ્યોની સંખ્યા ૪૯ ટકાથી લઇને ૫૬ ટકા સુધીની રહેવા પામી છે.

સૂત્રો જણાવે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ કે અન્ય પક્ષ હોય, મોટાભાગનાં ધારાસભ્યો બની બેઠેલા ખેડૂતો છે. જેમાંથી કેટલાક મંત્રી અનેેે ધારાસભ્યોએ તો ખેડૂતોની કિંમતી જમીન પચાવી પાડયાના પણ અનેક કિસ્સાઓ છે. વધુ અચરજ થાય તેવી વાત એ છે કે ૧૯૮૦-૮૫માં ખેડૂત ધારાસભ્યોની સંખ્યા માત્ર ૧૦ ટકા હતી જે પછીની ચૂંટણીમાં એટલે કે ૧૯૮૫-૯૦માં ૫૨.૭૫ ટકાએ પહોંચી ગઇ હતી. આ જ રીતે રાજકીય નેતાઓ યુવાનોને વધુ તક આપવાની વાતો કરે છે એ પણ ખોટી સાબીત થઇ છે. કારણ કે, વિધાનસભાના રેકર્ડ મુજબ ૧૯૬૨-૬૭માં ૨૪થી ૪૫ વર્ષના ધારાસભ્યોની સંખ્યા ૫૨.૬૪ ટકાની હતી. ત્યારબાદ ક્રમશ: ઘટવા માંડી છે. ૨૦૦૨-૨૦૦૭માં આ સંખ્યા ૩૮.૪૬ ટકાની, જ્યારે ૨૦૧૨ની છેલ્લી ચૂંટણીમાં માત્ર ૧૮.૬૮ ટકાની જ રહી છે. બીજી બાજુ ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં ધારાસભ્યોની ટકાવારી પણ ક્રમશ: વધતી રહી છે. ૧૯૬૨-૬૭માં માત્ર ૫.૧૯ ટકાની સંખ્યા સામે ૨૦૧૨ની ચૂંટણીમાં આ ટકાવારી વધીને ૨૯.૧૨ ટકાની થઇ ગઇ છે. આવા આંકડાઓ પરથી જણાઇ આવે છે કે રાજકારણીઓને યુવાનોમાં વિશ્વાસ નથી. મતદારો વધુ મેળવવા માટે ઉંમર ૨૧થી ઘટાડીને ૧૮ વર્ષની કરી નાખી પરંતુ ચૂંટણીમાં યુવાનોને ટીકિટ આપવાની વાત આવે ત્યારે તેઓ મોઢું ફેરવી લે છે.