અમદાવાદના રોડને મેકઅપ કરાયો, હાઈકોર્ટે તંત્રને ટકોર્યું
અમદાવાદ શહેરમાં વરસાદમાં અમદાવાદના રોડ અને રસ્તા મુદ્દે થયેલી જાહેરહિતની અરજી અંગે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તંત્રને ફરી આડે હાથ લીધું હતું. હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન. કારિયાની ખંડપીઠે એવી માર્મિક ટકોર કરી હતી કે, હાલમાં કોર્પોરેશન જે રીતે રોડનું રિસરફેસિંગ કરી છે તે મેક-અપ જેવું છે અને વરસાદી ઝાપટામાં ધોવાઇ જશે.
હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી 4ઓક્ટોબરના રોજ રાખી છે. તેમજ આ સુનાવણીમાં જ કોર્પોરેશનને વિસ્તૃત અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે કોર્પોરેશને પૂછ્યું છે કે, ક્યા કોન્ટ્રાક્ટરે કયો અને કેટલા કિમીનો રસ્તો બનાવ્યો છે. કયા એન્જિનિયરે ટેન્ડર પાસ કર્યું છે. કોણે રોડને સર્ટિફિકેટ આપ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સીલબંધ કવરમાં એક પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે જ ખંડપીઠે ટકોર કરી હતી કે, કોર્ટને કેટલાક કિમી રસ્તો બન્યો તે જાણવામાં રસ નથી, પરંતુ રસ્તાની ગુણવત્તા કેવી છે તે જાણવામાં રસ છે. અરજદારે એવી રજૂઆત થઇ હતી કે, ખરાબ રસ્તાઓ માટે જવાબદાર AMCના અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવામાં આવે.કુલ ₹338 કરોડના રોડના બિલ પૈકી 80 ટકા એટલે કે ₹.288.25 કરોડના બિલ રસ્તાઓની ગુણવત્તાની ચકાસણી કર્યા વિના જ ચુકવી દેવામાં આક્ષેપ સાથે કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશન પાસે ક્વોલિટી ચેક કરવા માટેનું કોઇ તંત્ર જ નથી.જેથી હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, કોર્પોરેશનના વિજિલન્સ વિભાગે રજૂ કરેલા રિપોર્ટને જોયા બાદ નક્કી કરવામાં આવશે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા કે કેમ