ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:28 IST)

ભાજપના બે ધારાસભ્યોના રાજકીય ભાવિ સામે પ્રશ્નાર્થ, મર્યાદા કરતાં વધુ ચૂંટણી ખર્ચો કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડ-માંડ ૯૯ બેઠક જીતનારી ભાજપ સરકારને માથે વધુ એક રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. ભાજપના બે ધારાસભ્યોએ ચૂંટણી પંચના નિયમોની ઐસી-તૈસી કરીને નિર્ધારિત રૃ. ૨૮ લાખ કરતા વધુ ચૂંટણી ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. હવે ચૂંટણીપંચના નિયમ અનુસાર આ બંને ધારાસભ્યો સામે પીટિશન દાખલ કરવામાં આવે અને તેમણે વધુ ચૂંટણી ખર્ચ કર્યાનું પુરવાર થાય તો ભાજપની બેઠક ઘટીને ૯૭ થઇ શકે છે.

આટલું જ નહીં આ બંને ધારાસભ્ય આગામી ત્રણ વર્ષ કોઇપણ ચૂંટણી લડવા પણ ગેરમાન્ય ઠરશે. ભાજપના બે ધારાસભ્યો હિંમતનગર બેઠકમાંથી રાજેન્દ્રસિંહ ચાવડાએ રૃ. ૩૩.૭૮ લાખ અને સંતરામપુર બેઠકમાંમાંથી કુબેર દિનોદરે રૃ. ૨૮. ૯૫ લાખ એમ નિર્ધારીત મર્યાદા કરતા વધુનો ચૂંટણી ખર્ચ કર્યો છે. દિલ્હીમાં તાજેતરમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 'ઓફિસ ઓફ પ્રોફિટ' ને મામલે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. હવે ચૂંટણી ખર્ચને મામલે ગુજરાતમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થાય તેમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણીના પરિણામ જાહેર થયાના ૩૦ દિવસમાં પ્રત્યેક ધારાસભ્યે પોતાના ચૂંટણીખર્ચની વિગત દર્શાવવી પડે છે. ગુજરાતના ધારાસભ્યો માટે આ ડેડલાઇન ૧૭ જાન્યુઆરીની હતી. ચૂંટણીપંચ દ્વારા કુલ રૃ. ૨૮ લાખની ચૂંટણીખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. નિયમ અનુસાર કોઇપણ ધારાસભ્યને નિર્ધારીત મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચની મંજૂરી નથી. પરંતુ કોઇ ધારાસભ્ય મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કરે તો તેને લોકપ્રતિનિધિત્વ ધારાના ૧૨૩(૬) હેઠળ ભ્રષ્ટ નીતિ ગણવામાં આવે છે. આ ધારાસભ્યો સામે પીટિશન દાખલ કરી શકાય છે. હવે આ ધારાસભ્યોએ મર્યાદા કરતા વધુ ચૂંટણી ખર્ચ કર્યાનું પુરવાર થાય તો તેની સામે પીટિશન દાખલ કરી શકાય છે. લોકપ્રતિનિધિત્વની કલમ ૧૦ એ હેઠળ આ ધારાસભ્ય ગેરમાન્ય ઠેરી શકે છે. ભાજપે આમપણ કટોકટ વિજય મેળવ્યો છે ત્યારે આ બંને ધારાસભ્યો ગેરમાન્ય ઠરશે તો કેવી સ્થિતિ સર્જાશે તે ચર્ચાઇ રહ્યું છે.