બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:03 IST)

સુરતમાં રબરના અંગૂઠાથી નકલી આધારકાર્ડ બનાવવાનો ભાંડો ફૂટ્યો

આધાર કાર્ડની સુરક્ષા અંગે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રબરના નકલી અંગૂઠાની મદદથી માત્ર 300 રૂપિયામાં ગેરકાયદે આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ચર્ચામાં આવ્યું છે. હાલમાં મહાનગર પાલિકા સિવાય અન્ય કોઈ એજન્સીને આધારકાર્ડની કામગીરી કરવાની સત્તા નથી. ત્યારે આ કૌભાંડ સામે આવતા આવા અનેક સેન્ટરો ચાલતા હોઈ શકે તેવી શક્યતા છે.

આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે  અનુપ નામનો એક વ્યક્તિ પાંડેસાર વિસ્તારમાં કૈલાસનગર ચાર રસ્તા પાસે આવેલા આધારકાર્ડના સેન્ટર પર પોતાના આધાર કાર્ડનું અડ્રેસ ચેન્જ કરાવવા માટે ગયો હતો. આ સમયે સેન્ટર પર રહેલી મહિલાએ અડ્રેસ ચેન્જ કરવાની કામગીરીના 300 રૂપિયા ફી કહી. ત્યાર બાદ તેમણે આંગળીની છાપ લીધી અને સુધારાને સંમતિ માટે એજન્સીના લાયસન્સ હોલ્ડરના અંગૂઠાની જરૂર પડી ત્યારે તેણે ખીસ્સામાંથી રબરનો અંગૂઠો કાઢી છાપ મારી.અનુપભાઈ પાસે જ્યારે રસીદ આવી ત્યારે તેમણે જોયું તો તેમાં એજન્સીના લાયસન્સ હોલ્ડરનું નામ કોઈ પુરૂષનું હતું અને કામ કરી રહ્યા હતા તે બહેન હતા એટલે તેને શંકા ગઈ.જે વ્યક્તિના નામના અંગૂઠાની છાપ મારી હતી તે વ્યક્તિનું નામ પ્રશાંત મોરડીયા હતું અને તે આણંદનો વતની છે. સેન્ટર પર જે મશીન હતું તે સિન્ડિકેટ બેંકને ફાળવવામાં આવ્યું હતું. આ અંગે સુરત મહાનગર પાલિકાને ફરિયાદ કરવામાં આવી છે. જે પોલીસ ફરિયાદ અંગે કાર્યવાહી કરી રહી છે.