બાબા સાહેબ આંબેડકર ‘બ્રાહ્મણ’ હતા - ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું નિવેદન
ભીમરાવ આંબેડકરને લઇને રાજકીય ઘમાસાણ થમવાનું નામ નથી લઇ રહ્યું. છેલ્લા એક અરસાથી તેઓ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે આંબેડકરને બ્રાહ્મણ ગણાવ્યા છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ‘મને આમ કહેવામાં કંઇ સંકોચ નથી થઇ રહ્યો કે આંબેડકર બ્રાહ્મણ હતા. એમની સરનેમ આંબેડકર એક બ્રાહ્મણ સરનેમ છે. એમને આ સરનેમ એમના ટીચરે આપી હતી, જે ખુદ બ્રાહ્મણ હતા.’ વધુમા એમણે કહ્યું કે કોઇ વિદ્વાન વ્યક્તિને બ્રાહ્મણ કહેવા ખોટું નથી અને આ હિસાબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રાહ્મણ છે. રવિવારે ગાંધીનગર ખાતે આયોજિત ‘મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ’માં વક્તવ્ય આપતી વખતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે આ નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં દેશભરમાં આંબેડકરની કેટલીય મૂર્તિઓને તોડી પાડવામા આવી. આ દરમિયાન અસામાજિક તત્વોથી મૂર્તિઓને બચાવવા માટે એમની મૂર્તિને લોખંડના પાંજરામા પૂરવાની ઘટના પણ સામે આવી હતી. ક્યાંક આંબેડકરની મૂર્તિને ભગવા રંગમાં રંગી દીધી હતો ક્યાંક તેને બ્લૂ રંગમાં રંગી દીધી. આ દરમિયાન જ ઉત્તર પ્રદેશ સરકારનો એ નિર્ણય પણ સમાચારમાં છવાયો હતો જેમાં ભીમરાવની પાછળ રામજી ઉમેરવાનું કહેવામા આવ્યું. આની પાછળની એ દલીલ આપવામા આવી કે સંવિધાન બુકમાં બાબા સાહેબના હસ્તાક્ષર પણ આ નામે જ છે.