શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર, , મંગળવાર, 26 જૂન 2018 (17:02 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયેલ જવા રવાના, પ્રધાનમંડળે શુભેચ્છા પાઠવી

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના પ્રતિનિધિમંડળ સાથે ઇઝરાયેલ જવા અમદાવાદથી રવાના થયા છે. મુખ્યપ્રધાન છ દિવસ સુધી ઇઝરાયેલની મુલાકાતે છે.

તેઓ બપોરે નવી દિલ્હી હવાઈ મથકે ભારત ખાતેના ઇઝરાયેલી રાજદૂત શ્રીયુત ડેનિયલ કેર્મોન સાથે મુલાકાત કરશે અને સાંજે 4.45 વાગ્યે નવી દિલ્હીથી ઇઝરાયેલના તેલ અવીવ જવા રવાના થશે.

મુખ્યમંત્રીને અમદાવાદ વિમાની મથકે રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો સૌરભ પટેલ, જયેશ રાદડિયા, ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, પરબત પટેલ, ઈશ્વરસિંહ પટેલ, વિભાવરી દવે તેમજ દંડક પંકજ દેસાઈ અને મુખ્ય સચિવ ડો.જે.એન સિંહ સહિતના તમામ મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઇઝરાયેલ પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી.


મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથ સિંહ પરમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, અગ્ર સચિવ જે.પી ગુપ્તા, ગૃહ સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ગુજરાત એગ્રોના એમ.ડી મહ્મમદ શાહિદ, રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ખેતી નિયામક ભરત મોદી બાગાયત નિયામક વઘાસિયા પણ ઇઝરાયલ પ્રવાસમાં મુખ્યમંત્રી સાથે જોડાયા છે.

પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયેલમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ - ડિસેલિનેશન પ્લાન્ટ્સ- એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ તેલઅવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. ઉપરાંત ઇઝરાયલમાં વસતા ભારતીય સમુદાયો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. 1લી જુલાઇના રોજ ગુજરાત પરત ફરશે.