ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વડોદરા: , સોમવાર, 19 ઑગસ્ટ 2019 (17:27 IST)

ગૌરક્ષા માટે લેક્ચરરની નોકરી છોડી યુવાન નીકળ્યો દેશની પદયાત્રાએ

એક તરફ દેશમાં મોબ લીન્ચિંગ જેવી ઘટનાઓના સમાચાર મોખરે છે. ગૌ રક્ષા અને ગાયનું મહત્વ સમજાવવા માટે 26 મહિનામાં 12 હજાર કિલોમીટર પદયાત્રા કરી રહ્યાં છે. છત્તીસગઢના સુરજપુરની કોલેજના મુસ્લિમ પ્રોફેસર મોહમદ ફેઝ ખાન પોલિટિકલ સાયન્સમાં ડબલ એમ.એ. થયા છે. તેઓને 'ધેનુ માનસ' નામના ગ્રંથમાંથી પ્રેરણા મળી હતી. ત્યારબાદ તેઓ ગૌમાતાનું મહત્વ લોકો સુધી પહોંચાડવા સમગ્ર દેશમાં પદયાત્રા કરવાનો અનોખો નિર્ણય કર્યો હતો. ત્યારે તેઓ 26 મહિનાથી પદયાત્રા કરી રહ્યાં છે અને આજે તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
 
ત્યારે આ મુદ્દે ફૈઝ ખાને કહ્યું કે, 24 જુન 2017ના રોજ કાશ્મીરમાં 2000થી વધુ લોકો સિંધુ સ્નાન માટે એકઠા થયા હતા. હું પણ ગૌ સેવા સદભાવના યાત્રાના સંકલ્પ સાથે ત્યાં ગયો હતો અને સિંધુ નદીનું પવિત્ર જળ લઇને દેશભરમાં પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. કાશ્મીરથી પૂર્વના રાજ્યોના પ્રવાસ કરતા કરતા કન્યાકુમારી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પશ્ચિમ તરફના રાજ્યોનો પ્રવાસ કરીને અમૃતસરમાં આ અભિયાનની પૂર્ણાહૂતિ થશે. અત્યાર સુધીમાં 19 રાજ્યો, 250 જિલ્લા, 1 લાખ ગામડાઓ મળીને 11,500 કિમીની યાત્રા કરી વડોદરા પહોંચ્યો છું.
 
વધુમાં તેમણે કહ્યું હતુ કે, મારી યાત્રા દરમિયાન લાખો લોકોને મળ્યો છું અને હજુ મળવાનો છું. લોકોને હું ગાયને બચાવવાની કે જરૂરીયાત છે તે સમજાવું છું. ગાય એ કોઇ ચોક્કસ ધર્મ સંપ્રદાયનું પ્રાણી નથી પરંતુ ગાયથી આ દેશની ખેતી સમૃદ્ધ થશે, અર્થતંત્ર મજબુત બનશે. ગાયના છાણ અને ગૌમૂત્રથી જો ખેતી થશે તો યુરિયા અને પેસ્ટિસાઇડની જરૂરીયાત નહીં પડે. દેશના કરોડો ખેડૂતો તે પછી કોઇ પણ ધર્મનો હશે તે કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી જશે. લોકોને ગાયનું વાસ્તવિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવવાની જરૂર છે તે હું સમજાવી રહ્યો છું.
 
વધુમાં મોહમદ ફૈઝ ખાને કહ્યું હતું કે, હું સમગ્ર ભારત ફર્યો છું અને લાખો લોકોને મળ્યો છું. અને હું દાવા સાથે કહી શકું છું કે, ગૌ માસ માટે થેઇ રહેલા મોબ લીન્ચિંગ જેવું દેશમાં કંઇ નથી. આ બધું જ પોલિટિકલ વાતો છે. જયશ્રીરામ બોલનાર પણ મને ગળે મળે છે. દેશમાં ઘણી જગ્યાએ મારો વિરોધ થયો. મુસ્લિમોએ મને કાફિર કહીં મારો વિરોધ કર્યો તો બીજી તરફ હિન્દુઓએ એવું કહ્યું કે, એક મુસ્લિમ અમને શું ગાયનું મહત્વ સમજાવવા આવ્યો. પરંતુ આ પ્રકારના લોકો ઘણા ઓછા હતા.