શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 13 જુલાઈ 2021 (13:29 IST)

જય રણછોડના નાદ સાથે શાહપુરના 25 લોકોનું ટોળું મૂર્તિઓ સાથે નીકળ્યા, ખાડિયા પાસે પોલીસે અટકાવી જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સવારે કરફ્યુ વચ્ચે શરૂ થઈ માત્ર ચાર કલાકના સમયગાળામાં પુર્ણ થઈ નિજમંદિર પરત ફરી હતી. કરફ્યુ બાદ રથયાત્રાના રૂટ પર શાહપુરના 25થી 30 લોકો ભેગા થઈ ત્રણેય ભગવાનની નાની મૂર્તિઓ લઈને રથયાત્રા રૂપે કોર્પોરેશનથી ખાડિયા તરફ જતા હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો. જેથી ખાડિયા પોલીસે જૈનવાડી પાસે ટોળાંને જોતાં કેટલાક લોકો  ભાગી ગયા હતા. પોલીસે 9 જેટલા લોકોને ઝડપી લીધા હતા. માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર રથયાત્રા સ્વરૂપે નીકળનાર 9 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
 
ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થયા બાદ કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હતો. પરંતુ રૂટ પર પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો હતો. પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે 25થી 30 લોકોનું ટોળું ભગવાન જગન્નાથની નાની મૂર્તિઓ લઈ જય રણછોડના નારા સાથે કોર્પોરેશન તરફથી ખાડિયા તરફ આગળ વધી રહ્યું છે. જેથી ખાડિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ જૈનવાડી પાસે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસને જોતાં કેટલાક લોકો ભાગી ગયા હતા. પોલીસે 9 લોકોને પકડી લીધા હતા. જેઓને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતાં શાહપુરથી તેઓ મૂર્તિઓ લઈ જગન્નાથ મંદિર ગયા હતા ત્યાંથી તેઓ બાધા કરવા માટે સરસપુર જતા હતા. માસ્ક પહેર્યા વગર તેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું ન હતું. જેથી પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે.