ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ડિસેમ્બર 2018 (12:01 IST)

બુટલેગરો બેફામ બનતા ગુજરાતમાં દારૂની રેલમછેલ: બંધ બારણે સમગ્ર રાજ્યમાં દારુનો વેપલો વધ્યો

સુરતમાંથી 21 મહિલાઓ અને હવે વિસ્મય શાહ દારૂ પીધેલો ઝડપાયો છે પરંતુ અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેરઠેર છૂટથી દારૂ વેચાઈ રહ્યો છે તાજેતરમાં જ સુરતની એક હોટલમાંથી 21 મહિલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગઈ હતી ત્યારબાદ હવે અડાલજના એક ફાર્મ હાઉસમાંથી વિસ્મય શાહ તેમની પત્ની તથા ભાઈ સાથે દારૂની પાર્ટી કરતો હતો ત્યારે પોલીસે રેડ પાડી તમામને ઝડપી લીધા હતા.
હજુ બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે ક્રિસમસ નિમિત્તે પણ અમદાવાદ કે રાજ્યના કોઈપણ વિસ્તારમાં દારૂની પાર્ટી થવી જોઈએ નહીં દારૂ વેચનારાઓ અને દારૂ પીનારા ઉપર કડક નજર રાખવી તેમજ જરૂર પડ્યે કડક કાર્યવાહી પણ કરવી પરંતુ દારૂબંધીનો કોઈપણ ભોગે ચુસ્ત રીતે અમલ કરવો. શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવત મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દારૂબંધીનો ચુસ્ત અમલ કરવાનું આશ્વાસન મુખ્યમંત્રીને આપ્યું છે પણ બીજી બાજુ હકીકત સાવ જુદી છે.
સુરત અને અડાલજના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે તેમજ પોલીસ અધિકારીઓ પણ એવું પ્રસ્થાપિત કરી રહ્યા છે કે તેઓ મોટા ચમરબંધીને પણ છોડવાના નથી. અમદાવાદના સેટેલાઈટ, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ, એલિસ બ્રિજ, બોપલ, આંબલી, શીલજ, થલતેજ, સાબરમતી ઉપરાંત અનેક વિસ્તારોમાં તેમજ વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા સહિત રાજ્યભરમાં ઠેરઠેર છૂટથી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. એટલું જ નહીં જ્યાં જોઈએ ત્યાં દારૂની બોટલોની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે.
તમામ બાબતોની જાણકારી પોલીસને છે જ પરંતુ નિયમિત રીતે હપ્તા મળતા હોવાથી પોલીસ અધિકારીઓ કોઈ પ્રકારની કાર્યવાહી કરતા નથી. માત્ર તહેવારોમાં છૂટથી દારુ મળે છે એવું નથી પરંતુ આખું વર્ષ દેશી અને વિદેશી દારૂ મળે છે.