શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (14:19 IST)

સગર્ભા કોવિડ પીડિત પ્રસૂતિ સમયે બાળકની પોઝિશન ઊંધી અને જન્મ પછી બાળક રડ્યું નહિ પછી સર્જાઈ કટોકટી...

સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગ અને બાળ સારવાર વિભાગના ઘનિષ્ઠ અને સંકલિત પ્રયાસો થી એક સામાન્ય પરિવારની કોવિડગ્રસ્ત સગર્ભાની સલામત પ્રસૂતિ અને જન્મતા ની સાથે જ જીવન મરણની કટોકટીમાં મુકાયેલા નવજાત શિશુની જીવન રક્ષામાં સફળતા મળતાં સૌ એ આનંદની લાગણી અનુભવી છે.૧૪ દિવસની સઘન સારવાર પછી સ્વસ્થ થયેલા બાળકને લઈ ગઈકાલે માતા પિતાએ વિદાય લીધી ત્યારે સૌ એ પોતાના પ્રયત્નોને મળેલી સફળતા માટે પરમાત્માનો આભાર માન્યો હતો.
વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામના પ્રીતિ કમલ જાટવને પ્રસુતિની પીડા ઉપડતાં નજીકના સાર્વજનિક ખાનગી દવાખાનામાં દાખલ કર્યા.
 
જો કે આ સગર્ભાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યાં થી તેમને સયાજી હોસ્પિટલને રીફર કરવામાં આવ્યા. ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબેને જણાવ્યું કે પ્રીતિબેન ને અમારા પ્રસૂતિ વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી અને પ્રસૂતિનો સમય થઈ ગયો હતો. આટલી મુસીબતો ઓછી હોય તેમ પ્રસૂતિ વિભાગના તબીબોએ તેમની તપાસ કરી ત્યારે જણાયું કે બાળકની પોઝિશન ઊંધી હતી એટલે કે માથું પહેલા અને પગ પાછળના બદલે પગ આગળ અને માથું પાછળની breech presentation ની જોખમી સ્થિતિમાં બાળક હતું.
 
આવા સંજોગોમાં મોટેભાગે શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ કરાવવી સલામત ગણાય છે.જો કે પ્રસૂતિ વિભાગના નોડલ ઓફિસર ડો.મૈત્રીના માર્ગદર્શન હેઠળ ડો.ટ્વિંકલ અને સહયોગી સ્ટાફે  તેમના અનુભવનો વિનિયોગ કરીને નોર્મલ પ્રસૂતિ કરાવી એટલે પહેલા બે પડકારો તો પરાસ્ત થયાં. નવજાત શિશુ જન્મતાની સાથે પહેલું રુદન કરે ત્યારે તેના શ્વાસનું કુદરતી ચક્ર ચાલુ થાય છે.પણ આ નવજાત રડ્યું જ નહિ એટલે નવી કસોટી ઊભી થઈ.
 
બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયરના માર્ગદર્શન હેઠળ યુવા તબીબો ડોકટર ભાર્ગવ અને ડો.લોકેશે આ બાળકને રડાવવા માટે પોતાના તબીબી જ્ઞાન અને કુશળતા થી વિવિધ પ્રયાસો કર્યા,બાળકને શ્વાસ આપ્યા, ફ્રી ફ્લો થી ઓક્સિજન આપ્યો,હળવી એન્ટીબાયોટિક્સ આપી અને તેને ઇન્ક્યુબેટર માં રાખ્યો.આખરે છેલ્લા ઉપાય તરીકે ચેસ્ટ એકસરે ના આધારે તેના ફેફસામાં આઇ.સી.ડી.નાંખીને પ્રોસિજર કર્યો જેને સફળતા મળતાં આખરે બાળક રડ્યું અને સૌ ને હાશકારો થયો.
 
કુદરતની કેવી લીલા છે કે જન્મ સમયે બાળક રડે ત્યારે જીવનની ચેતના પ્રગટે છે અને ના રડે તો તેનું જીવન જોખમમાં હોવાનો સંકેત મળે છે...!!! બાળક સહેલાઇ થી માતાનું ધાવણ લેતું થયું અને તેનામાં ચપળતા પ્રગટી એટલે ગઈકાલે ૧૪ દિવસની ઘનિષ્ઠ સારવાર પછી સ્વસ્થ બાળકને લઈને માતાપિતા એ સૌ નો,સરકારી આરોગ્ય સેવાનો આભાર માનીને,ખુશખુશાલ થઈને વિદાય લીધી. આમ,સયાજીના પ્રસૂતિ અને બાળ રોગ વિભાગે ફરી એકવાર સૌ ની કાળજી લેતી,કુશળ અને સતર્ક આરોગ્ય સેવાનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો.