રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (20:05 IST)

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

રાજ્યમાં ધીમે ધીમે કોરાનાએ ફરી એકવાર અલવિદા કહી દીધું છે. જેને લીધે ફરી જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. ફરી એકવાર ઉત્સવો અને મેળાની તડામારી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સ્કૂલો અને મંદિરોના દ્વાર ખુલી ગયા છે. તો બીજી તરફ શિવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને લઇને મહાદેવના મેળાની તડામારી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. તંત્ર સજ્જ થઇ ગયું છે. 
જુનાગઢમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. વિભાગ  દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતે  50 મીની બસ દોડાવવામાં  આવશે. જેનું ભાડું નિયમ મુજબ રૂપિયા 20 રાખવામા આવ્યું છે. જ્યારે મેળા માટે અન્ય શહેરોની કુલ 350 બસ દોડાવવામાં આવશે.
જુનાગઢમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ યાત્રિકો માટે જૂનાગઢ એસ.ટી. દ્વારા તા.25મીથી  એસટીબસ સ્ટેન્ડથી ભવનાથ જવા માટે 50 મીની બસ શરૂ કરવામાં આવશે. જેનું ભાડું 20 રૂપિયા રાખવામાં આવ્યું છે.આ ઉપરાંત મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોની જૂનાગઢ વિભાગની 225 મોટી બસ તેમજ રાજકોટ , જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 75 બસ મળી કુલ 350 બસ દોડાવવામાં આવશે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના મેળા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોવિડ ગાઇડલાઇનનું  પાલન થાય તે  માટે જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જી.પં.ગેસ્ટ હાઉસ, પાજનાકા પુલ, ભરડાવાવ, અને ભવનાથ કન્ટ્રોલ રૂમ, ખાતે ત્રણ ત્રણ  એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ  રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે.
 
આઠ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે, ત્રણ  સ્થળે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. ઉપરાંત કોવિડ ગાઈડલાઇનના પાલન  સાથે ભાવિકો મેળામાં આવે ત્યારે તેમને આરોગ્ય સુવિધા  મળી રહે તે માટે ગિરનાર દરવાજાથી ભવનાથ  સુધીમાં  આઠ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.  રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રામટેકરી, રોપવે અને સક્કરબાગ ઝૂ ખાતે વેક્સિનેશન તેમજ સર્વેલન્સ અને ટેસ્ટિગ માટે આરોગ્ય ટીમ સતત ફરજ બજાવશે. સિવિલ હોસ્પિટલના સંકલનથી  મેડિકલ ઓફિસર 24 કલાક  ફરજ બજાવશે.