ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 સપ્ટેમ્બર 2022 (13:16 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર આજે રાજ્યના સાડા છ કરોડ નાગરિકોના સપના સાકાર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યો સંપન્ન થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસના અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે છે. તારીખ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 
Biodiversity Park
આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ / બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 
 
ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ
સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાન ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 
Biodiversity Park
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું. આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. હાલ ફેઝ-1 અને ફેઝ-2 સંબંધિત રૂ.400 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે. 
 
રૂ.139 કરોડના ખર્ચે બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક
વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. 
 
આ બાયોડાયવર્સિટી પાર્કમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે. અહીંયા કુલ 85 જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ રોપવામાં આવશે. રૂ.139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમજ હાઉસ કીપીંગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.