ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (09:37 IST)

Rain in Gujarat - રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન, જાણો ક્યા-ક્યા વરસ્યો વરસાદ

rain in vadodara
Rain in Gujarat - રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈ તુવેર, મકાઈ, સોયાબીન સહિત મુર્જાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જો કે, હજુ સુધી પુરતો વરસાદ વરસ્યો નથી પરંતુ અમી છાંટણા શરૂ થતાં ખેડૂતોએ વધુ વરસાદની મીટ માંડી છે
 
ક્યા-ક્યા વરસ્યો વરસાદ 
વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજવા રોડ, સમા, સાવલી રોડ અને હરણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. દાહોદમાં લાંબા સમય બાદ મેઘ સવારી જોવા મળી છે, અરવલ્લીમાં એક મહિનાના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. મેઘરજ, જીતપુર, ખાખરીયા, ઇસરી અને રેલ્લાવાડા, કડાણા, નીનકા, અંધારી, મુનપુર સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.  દ્વારકાના કલ્યાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ટંકારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મકાઇ, સોયાબીન, તુવેર સહિતના પાકને જીવતદાન મળ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 134 મીટરે પહોંચી છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.00 મીટરે નોંધાઈ છે
 
ગુજરાતના કયા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા?
બંગાળની ખાડીમાં રહેલી આ સિસ્ટમ મધ્ય ભારત પર આવતા જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુરના વિસ્તારોમાં 7 તારીખથી વરસાદનું જોર વધવાની શક્યતા છે.
 
આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે અને કોઈ જગ્યાએ કદાચ આવનારા બે-ત્રણ દિવસોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.
આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
 
પરંતુ આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. કોઈ જિલ્લામાં થોડા વધારે વિસ્તારોમાં તો કોઈ જિલ્લામાં ઓછા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
 
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના આ સિવાયના જિલ્લાઓ તથા કચ્છમાં આ સિસ્ટમની વધારે અસર થાય તેવી સ્થિતિ જણાતી નથી. એટલે કે ત્યાં કોઈ જગ્યાએ સાવ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. પરંતુ ઊભા પાકને લાભ કરે તેવા વરસાદની શક્યતા ઓછી જણાઈ રહી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી થઈ હતી પરંતુ શરૂઆતના બે મહિનામાં ધોધમાર વરસાદ બાદ ઑગસ્ટ મહિનો સાવ વરસાદ વિના જ ગયો હતો. સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસો પણ રાજ્યમાં વરસાદ વિનાના ગયા છે, હવે ફરી બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધતાં રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે