સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (11:04 IST)

શાહિન વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં હજી અતિભારે વરસાદની સંભાવનાઓ

રાજ્યમાં કુલ 31 ઈંચમાંથી 17 ઈંચ વરસાદ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયો
ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિને લઇને આગામી બીજી ઓક્ટોબર સુધી હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થનાર છે. અમદાવાદમાં હવળો વરસાદ પડશે તેવું હવામાન ખાતાના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. અમદાવાદ પરથી હાલના સંજોગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા લગભગ નહીવત થઇ જવા પામી છે. વાવાઝોડાની અસરના કારણે જામનગર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના પટ્ટામાં, દરિયાઇ પટ્ટીમાં ભારે વરસાદ પડવાની હજુ આગાહી કરાઇ છે પરંતુ અમદાવાદ માટે હવે મોટો કોઇ ખતરો ન હોવાનું હવામાન ખાતાનું કહેવું છે. 
 
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી.પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. 
 
બીજી તરફ 14  જિલ્લા એવા છે જ્યાં 35%થી  ઓછી ઘટ છે. જેમાં 33% સાથે દાહોદ-તાપી-અરવલ્લી  સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી  9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે. 
 
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 72 કલાકથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, એમાં પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મુજબ, 30 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં 22 જિલ્લામાં 164 રસ્તા હજુ પણ બંધ છે. બુધવારે 207 રસ્તાઓ ભારે વરસાદના પગલે બંધ કરાયા હતા.
 
હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરના પગલે દરિયામાં કરંટ વધશે અને 3.5 મીટર સુધીના મોજા ઉછળી શકે છે. એવામાં ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
 
વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની 17 ટીમ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે, જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં ખાબકેલા વરસાદને કારણે વરસાદની ઘટ પુરાઈ છે. જ્યારે બીજી તરફ એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના દ્રશ્યો જોવા મળ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજી વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયો છે.