ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (15:45 IST)

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ તૂટ્યો, વાહનોનો કચ્ચરઘાણ, ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીંગમા બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હતા. જેનું સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને હાલ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી પરંતુ 7થી વધુ વાહનો ચૂર ચૂર થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યાજ્ઞિક રોડ પર બનેલી આ મોટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમ ઘટના બન્યાના એક કલાક બાદ પહોંચી છે અને JCBની મદદથી અન્ય ભાગ તોડી, વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.આ અંગે સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે, મારું છેલ્લે ગેરેજ આવેલું છે હું દુકાનની અંદર હતો અને ધડાકાભેર એક અવાજ આવ્યો એટલે હું દોડીને દુકાનની બહાર નીકળ્યો જોયું તો આખો ઉપલો માળ નીચે આવી ગયો હતો.આ દુર્ઘટનામાં અંદાજિત 10થી 15 જેટલા દુકાનદારોને નુકસાન થયેલું છે. અમે જનરલ સ્ટોરમાંથી જ 8થી 10 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.આ દુર્ઘટના જે સ્થળે સર્જાયએ સ્થળે એક મહિલા ખરીદી કરવા આવ્યા હતા તેમણે જણાવતાં કહ્યું હતું કે, હું ખરીદી કરતી હતી અને બહારથી બધું નોર્મલ હતું અચાનક અવાજ આવ્યો અને જોયું તો આખી છત નીચે પડી ગઈ. હું જે દુકાનમાં હતી ત્યાં દરવાજો લોક થઈ ગયો. એ એટલે અમે લોકો ધીમે ધીમે દુકાનમાંથી બહાર નીકળ્યા હતા.આ છત પડતા ત્યાં પાર્ક કરેલા 7 જેટલા વાહનોને મોટી નુકસાની પહોંચી છે. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે છત એવા સમયે પડી કે જ્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ ન હોય બચી જવા પામ્યા હતા.