ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (12:57 IST)

રણોત્સવમાં આવકની સામે માત્ર 50 ટકા જ ખર્ચ કરાયો: રોજગારીના દિવસોમાં પણ ઘટાડો

કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખાની થીમ પર અમિતાભ બચ્ચને રણોત્સવનો પ્રચાર કરતા રાતો-રાત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રણોત્સવ સરકારનો કમાઉ દીકરો પણ સાબિત થઇ રહ્યો છે. પરંતુ આ રણોત્સવમાં રોજગારીની તકો વધારવામાં સરકાર નિષ્ફળ જઇ રહી છે. ખૂદ ભુજના ધારાસભ્યના એક સવાલમાં જ સરકારે વિધાનસભામાં સ્થાનિક રોજગારીના દિવસોમાં ગત વર્ષની સરખામણીએ અધધ 11090 દિવસમાં ઘટાડો નોંધાયો છે. જેની સામે સરકાર કમાણીની સરખામણીએ ખર્ચ કરવામાં કંજુસાઇ કરી રહી છે!
આ અંગે મળતી વિગતો મુજબ રણોત્સવના માધ્યમથી કચ્છ હાલ પ્રવાસન હબ બન્યુ છે. પ્રવાસીઓની સંખ્યા વધતા સરકાર દ્વારા હવે વર્ષે ચાર મહિના સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આ રણોત્સવમાં અધધ દસ લાખથી વધારે પ્રવાસીઓએ ભાગ લીધો હતો. રણોત્સવ અંગે ભુજના ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન કરતા ચોંકાવનારા તથ્યો પણ બહાર આવ્યા છે. જેમાં છેલ્લા બે વર્ષામાં તા.31/3/19ની સ્થિતિએ રણોત્સવના માધ્યમથી રાજ્ય સરકારને અધધ રૂા.6.55 કરોડની રોયલ્ટી મારફતે આવક થઇ હતી. તો સફેદ રણમાં ફીમાંથી સરકારને છેલ્લા બે વર્ષમાં રૂા.4.78 કરોડની આવક થઇ હતી.
આ છેલ્લા બે વર્ષમાં રૂા.11.33 કરોડની સરકારે કમાણી કરી છે. તેની સામે સરકારે રણોત્સવમાં રૂપિયા ખર્ચ કરવામાં કંજુસાઇ કરી હોવાનું પણ બહાર આવ્યુ છે. છેલ્લા બે વર્ષમાં સરકારે રણોત્સવમાં ખર્ચ માત્ર રૂા.5.95 કરોડનો કર્યો છે! અન્ય ચોંકાવનારી વાત રોજગારીમાં પણ ઘટાડાની આવી છે. વર્ષ 2017-18માં રણોત્સવમાં 23,090 દિવસોની રોજગારીમાં વધારો થયો છે. જ્યારે 2018-19માં માત્ર 12,000 દિવસોની રોજગારીમાં વધારો થયો છે!  સફેદ રણ જોવા માટે વર્ષે લાખો પ્રવાસીઓ દેશ વિદેશમાંથી કચ્છ આવે છે, પ્રવાસન ક્ષેત્રે રણોત્સવ દેશ દુનિયામાં ચર્ચામાં છે ત્યારે સરકાર દ્વારા આવક સામે 50 ટકા જ ખર્ચ કરી કંજુસાઇ કરાઇ રહી છે.
રણોત્સવમાં સફેદ રણ માટે પ્રવાસીઓ પાસે એન્ટ્રી ફી વસુલ કરવામાં આવે છે. તેની સામે સ્થાનીક ગામોમાં માળખાગત સુવિધા વધારવાનું કારણ આપવામાં આવે છે. પરંતુ અહીં બન્નીના ગામોમાં માળખાગત સુવિધામાં ખાસ કોઇ વધારો થયો નથી. જે પ્રમાણે સરકારને આવક થઇ રહી છે તેની સરખામણીએ ખર્ચ કરાઇ રહ્યો નથી.