શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: ગુરુવાર, 4 માર્ચ 2021 (13:25 IST)

આપ અને ઔવેસીને મળેલી સફળતા પાછળ આ છે મોટું કારણ? કોંગ્રેસ-ભાજપની ચિંતા વધી

: ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. શહેરોની મહાનગરપાલિકાથી માંડીને  ગામડાઓમાં તાલુકા પંચાયતોમાં ગામે ગામે ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે ગુજરાતમાં બે નવી પાર્ટીઓની એન્ટ્રી થઇ હતી. તેમની એન્ટ્રી સાથે જ લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું કે આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડીયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)એ ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી. આ બંને પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા અને સારું પ્રદર્શન પણ કરી બતાવ્યું. 
 
સુરતમાં આપ વિપક્ષ તરીકે બેસશે તો મોડાસામાં એઆઇએમઆઇએમ વિપક્ષ તરીકે બેસશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે કોંગ્રેસે વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોને આગામી વિધાનસભા માટેની ટ્રાયલ મેચ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આપના પ્રદર્શનને જોતાં ભવિષ્યમાં આપ ગુજરાતમાં મજબૂતી સાથે આગળ વધશે. વિધાનસભાની ચૂંટણીમાં આકરી ટક્કર આપવા માટે પોતાના ઉમેદવારો મેદાનો ઉતારશે. આપની મજબૂતી ભાજપ અને કોંગ્રેસ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. 
 
ઔવેસીને મળ્યો અલ્પસંખ્યક અને દલિતોનો સાથ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બાદ અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડીયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)એ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે જાહેર થયેલા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામોમાં એઆઇએમઆઇએમએ ગુજરાતના ત્રણ જિલ્લા અરવલ્લીના મોડાસા, ગોધરા અને ભરૂચમાં પોતાની હાજરી નોંધાવી છે. 
 
પાર્ટીના સારા પ્રદર્શનનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે મોડાસા નગરપાલિકામાં ચૂંટણી લડી રહેલા 12 માંથી એઆઇએમઆઇએમના 9 ઉમેદવારોએ ના ફક્ત જીત નોંધાવી છે. પરંતુ કોંગ્રેસના મુખ્ય વિપક્ષી પાર્ટીનો દરરજ્જો પણ છિનવી લીધો છે. આ પ્રકારે 2002ના સાંપ્રદાયિક રમખાણોના લીધે ચર્ચામાં આવેલા ગોધરામાં પણ કોંગ્રેસના વોટમાં પણ સેંઘ લગાવતાં એઆઇએમઆઇએમએ 7 સીટો પર જીત પ્રાપ્ત કરી લીધી છે.
 
મહાનગરપાલિકાઓમાં આપ અને ઓવૈસીની પાર્ટીનો દબદબો
એઆઇએમઆઇએમએ ગુજરાતનની અમદાવાદ, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર અને જામનગર પાલિકાઓઓ ઉપરાંત 81 નગરપાલિકાઓમાં, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આદિવાસી નેતા છોટૂ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. ગુજરાતમાં ઓવૈસીએ પોતાની પાર્ટીની પરંપરાને તોડવા માટે મુસ્લિમો ઉપરાંત હિંદુઓ અને ખાસકરીને દલિતોને પણ ટિકીટ આપી હતી. 
 
આપ સાથે પાટીદાર
તો આ તરફ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, સુરત, અમરેલી ઉપરાંત ગુજરાતના પાટીદાર પ્રભુત્વ ધરાવતા મહેસાણામાં પણ આમ આદમે પાર્ટીની જીત તે તરફ ઇશારો કરી રહી છે કે આ વખતે ભાજપથી નારાજ પાટીદાર વોટર કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી તરફ વધુ વિશ્વાસ કરી રહ્યા છે. ભાજપને ચિંતા એ વાતની છે કે જે-જે પાટીદારો પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જીતી રહી છે અથવા મજબૂત થઇને ઉભરી રહી છે ત્યાં ફરી એકવાર પાટીદારોનું આંદોલન નવેસરથી ઉભું કરવાનો પ્રયત્ન થઇ શકે છે. જોકે કોંગ્રેસ પાર્ટીના પોતાના પોસ્ટર બોય અને આંદોલનના નેતા હાર્દિક પટેલ આ ચુંટણીમાં હવે કોઇ ખાસ અસર બતાવી શક્યા નથી. 
 
પાટીદાર આંદોલનનો ફાયદો આપને 
2015 ના પાટીદાર આંદોલનના લીધે આ સમાજનો મોટો વર્ગ તેની નજીક આવી ગયો હતો અને તેની અસર પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યારબાદ ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી હતી, પરંતુ લાંબા સમય સુધી કોંગ્ર્રેસ પાટીદારોને પણ સાધાવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે અને તેનો ફાયદો આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે. બીજી તરફ પારંપારિપક મુસ્લિમ આદિવાસી અને દલિત વોટર ઓવૈસી-બીટીપી ગઠબંધન તરફ વળી રહ્યા છે. 
 
પાટીદારોની ભાજપ-કોંગ્રેસથી નારાજગી જીતનું કારણ
સુરતના ઘણા પાટીદાર નેતાઓ સાથે વાત કરતાં ચૂંટણી પહેલાં સ્પષ્ટ થઇ ગયું હતું કે ભાજપથી નારાજ પાટીદાર હવે કોંગ્રેસના પક્ષમા6 જઇ ચૂક્યા છે. પાટીદાર અનામત આંદોલના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં આંદોલનના બે ભાગલા પડી ગયા હતા. તેના લીધે ઘણા નેતાઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેનો સાથે આપશે. પરંતુ ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે એવું નથી નથી કે અમને પાટીદારોનું સમર્થન મળ્યું છે. વોર્ડ નં- 3-4 માં પાટીદાર અલ્પસંખ્યક છે અને ત્યાંથી પણ જીત પ્રાપ્ત થઇ છે. જ્યારે વોર્ડૅ નંબર 6 પાટીદાર બિલકુલ ઓછા છે અને ત્યાં પણ જીત પ્રાપ્ત થઇ છે. 
 
આપ અને એઆઇએમઆઇએમ કોંગ્રેસ માટે બની મુશ્કેલી
ગત 20-25 વર્ષોમાં ગુજરાતમાં કોંગ્રેસ ફક્ત ભાજપથી હારતી હતી પરંતુ મહાનગર પાલિકાની ચુંટણી બાદ હવે કોંગ્રેસને ભાજપ સાથે સાથે આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમથી પણ હારનો સામનો કરવો પડ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આદ આદમી પાર્ટીએ સુરતમાં કોંગ્રેસે વિપક્ષનો દરજ્જો છિનવી લીધો હતો તે પ્રકારે મોડાસામાં એઆઇએમઆઇએમ એ પણ કોંગ્રેસને પાછળ ધકેલી દીધી છે હવે ત્યાં એઆઇએમઆઇએમ વિપક્ષમાં બેસશે. 
 
જિલ્લા પંચાયત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજનની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચૂંટણી અધિકારી દ્રારા જાહેર કરવામાં આંકડા અનુસાર 31 જિલ્લા પંચાયતની 979 સીટોમાંથી ભાજપને 800, કોંગ્રેસને 169, આમ આદમી પાર્ટીને 2, બહુજન સમાજ પાર્ટીને 1, અન્યને 4 અને 3 અપક્ષ ઉમેદવારોને જીત મળી છે. 
 
તાલુકા પંચાયત
231 તાલુકા પંચાયતની 4771 સીટોમાં ભારતીય જનતા પાર્ટીને 3351, કોંગ્રેસને 1252, આમ આદમી પાર્ટીને 31, બહુજન સમાજ પાર્ટીને 4, નેશનલ કોંગ્રેસ પાર્ટીને 2 અન્યને 16 અને 115 અપક્ષ ઉમેદવારોને જીત મળી છે.
 
નગરપાલિકા
81 નગરપાલિકાઓની 2720 સીટોમાંથી ભાજપને 2085, કોંગ્રેસને 388, આમ આદમી પાર્ટીને 9, એઆઇએમઆઇએમને 17, બહુજન સમાજ પાર્ટીને 6, નેશનલ કોંગ્રેસ પાર્ટીને 5, સમાજવાદી પાર્ટીને 14 અન્યને 24 અને 172 અપક્ષ ઉમેદવારોને જીત મળી છે