નવા વર્ષે શાળાઓમાં એક પણ રૂપિયાનો ફી વધારો નહીં, ત્રિમાસિકને બદલે માસિક ફી પણ ભરી શકાશે
કોરોના વાયરસ કોવિડ-19ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેટલાંક મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાત સરકારના નિયમ અનુસાર શાળાઓ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન એક પણ રૂપિયાનો ફી વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત વાલીઓ ત્રિમાસિક ફી ભરવાની જગ્યાએ માસિક ફી પણ ભરી શકશે તેવી છૂટ આપવાનો નિર્ણય પણ રૂપાણી સરકારે કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે આ સંદર્ભમાં એક ફળદાયી બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયોની વિગતો આપતાં કહ્યું હતું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ પણ શાળા ફી વધારો કરશે નહી તેમજ જાહેર કરાયેલા નિર્ણય અનુસાર લોકડાઉન પૂરૂં થયા પછી પણ શાળાઓ ફીની વસુલાત માટે કોઈ ઉતાવળ કરી શકશે નહી. એટલું જ નહિ, વાલીની આર્થિક સ્થિતી, અનુકૂળતા અને સગવડ પ્રમાણે જરૂર જણાય તો શાળા તરફથી છ મહિના સુધીમાં ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. આ ઉપરાંત ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે. ધોરણ-10 અને 12ની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. 16 એપ્રિલ ગુરૂવારના રોજથી શરૂ કરી દેવામાં આવશે. આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ સોશિયલ ડીસ્ટન્સીંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં તા. 15 એપ્રિલથી 16 મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોલેજ અને યુનિર્વસિટીની પરિક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે. આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહી નિર્ણય લેવાશે.