શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (10:57 IST)

આજથી ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ ''યસ સર''ના બદલે ''જય ભારત'' અથવા 'જય હિંદ' બોલશે

પહેલી જાન્યુઆરી, ૨૦૧૯થી ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને હાજરી પૂરવા 'યસ સર'ના બદલે 'જય ભારત' અથવા 'જય હિંદ' બોલવા અંગેનો પરિપત્ર થયો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વર્ષ-૨૦૧૮ના છેલ્લા દિવસે આ નિર્ણય લીધો છે. સ્કૂલમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી હજારો વખત 'યસ સર' અથવા 'પ્રેઝન્ટ સર' શબ્દનો ઉપયોગ કરે છે તેના કારણે વિદ્યાર્થીઓમાં ગુલામીની માનસિકતા વિકસે છે. જો વિદ્યાર્થીઓને સ્કૂલમાં 'જય ભારત' અથવા 'જય હિંદ' બોલવાની ટેવ પાડવામાં આવે તો તેમને દેશ માટેનું ગૌરવ થાય તે આ પરિપત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના એક નાનકડા ગામના એક શિક્ષકે પોતાની શાળામાં આ પ્રયોગ શરૂ કર્યો હતો. જેને રાજસ્થાન સરકારે રાજ્યની ૬૪ હજાર શાળામાં અમલી બનાવ્યો હતો. 
તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૬૪માં રાષ્ટ્રીય અધિવેશનમાં રાજસ્થાનના શિક્ષક સંદીપ જોષીનું ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હાથે સન્માન થયું હતું. આ અધિવેશનમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ઉપસ્થિત હતા. શિક્ષણમંત્રીએ રાજસ્થાનના તે શિક્ષકની કામગીરીમાંથી પ્રેરણા મેળ‌વી આ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યની તમામ ગ્રાન્ટેડ, સરકારી અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પત્ર લખી ધો. ૯થી ૧૨માં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષકો દ્વારા નોંધણી થતી હોય એ સમયે 'યસ સર' કે 'પ્રેઝન્ટ સર'ના બદલે 'જય હિંદ' કે 'જય ભારત' બોલવા સૂચના જાહેર કરી છે.