શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (17:48 IST)

અમદાવાદમાં 10 દિવસથી બહેન ગુમ હતી, ભાઈઓએ ઈન્સ્ટા પર રિલ્સ જોઈ યુવકને ફટકાર્યો

Social Media
રોહનનો મિત્ર શક્તિ થોડા સમય પહેલા શાહપુર રહેવા માટે ગયો હતો જેનો યુવતી સાથે પ્રેમસંબંધ હતો
યુવતી, શક્તિ અને રોહને ભેગા થઇને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવ્યો હતો
 
Social media videos - શહેરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયોને લઈ યુવકને શંકાના આધારે માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં છેલ્લા દસેક દિવસથી ગુમ થયેલી એક યુવતીના ભાઇઓએ એક યુવકને શંકાના આધારે માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતી સાથે તેના પ્રેમી અને યુવકે રિલ્સ બનાવી હતી. યુવતીની રિલ્સ જોઇને તેના ભાઇઓએ યુવકને બોલાવ્યો હતો અને મારી બહેન દસ દિવસથી ક્યાંક જતી રહી છે, તેમ કહીને હુમલો કર્યો હતો.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 
 
ત્રણ યુવકો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા રોહન શ્રીમાળીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. રોહનનો મિત્ર શક્તિ થોડા સમય પહેલા શાહપુર રહેવા માટે ગયો હતો જેનો યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતી, શક્તિ અને રોહને ભેગા થઇને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવ્યો હતો. બે દિવસ પહેલા રોહન તેના મિત્રો સાથે ગોગા ચોકડી પાસે બેઠો હતો ત્યારે યુવતીના ભાઇનો ફોન આવ્યો હતો અને મળવા માટે સ્નેહલ પ્લાઝા બોલાવ્યો હતો. રોહન એકલો ધારાના ભાઇને મળવા માટે પહોંચી ગયો હતો. જ્યાં તેના પિતરાઇ ભાઇ પણ ઉભા હતા. યુવતીનો ભાઇ રોહન પાસે આવીને કહેવા લાગ્યો કે, ધારા છેલ્લા દસેક દિવસથી ક્યાંક જતી રહી છે અને હજુ સુધી ઘરે પરત આવી નથી. 
 
યુવતીના ત્રણેય ભાઇઓએ યુવકને અધમૂવો કરી નાંખ્યો
તારો અને મારી બેહનનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી મળ્યો છે, જેથી તું મારી બહેન વિશે કઇ જાણતો હોય તો કહી દે.યુવકોની વાત સાંભળીને રોહને જવાબ આપ્યો કે, હું આ વિશે કઇ જાણતો નથી. યુવતીના ત્રણેય ભાઇઓ અચાનક રોહન પર તૂટી પડ્યા હતા અને માર મારવાનું શરૂ કરી દીધું હતું. બે યુવક ક્યાંકથી દંડો લઇને આવ્યા હતા અને રોહનને મારવાનું શરૂ કરી દીધું હતું. ત્રણેયે ધમકી આપી હતી કે, મારી બહેન વિશેની સાચી હકીકત બતાવી દે નહીંતર જાનથી મારી નાખીશ. રોહને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય યુવકો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત રોહનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.