ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જૂન 2022 (18:07 IST)

જૂનાગઢ શહેરમાં શરૂ થશે દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે, પ્લાસ્ટિકના બદલામાં મળશે ભોજન

પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ. સાથે જ અહીં આવનારને પ્રકૃતિથી નજીક આવ્યા નો એક નવો અહેસાસ પણ થશે. અહીં તમને ઓર્ગેનિક ફૂડ આરોગવા મળશે જ. એ પણ તમને માટીના વાસણોમાં પીરસવામાં આવશે. આમ, એક સંપૂર્ણપણે ઓર્ગેનિક ફૂડ ખાવા અને એક નવા અનુભવ માટે એકવાર તો પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં અચૂક ભોજન લેવું જોઈએ.
 
આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની વિશેષતા જણાવતા પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા જણાવે છે કે, કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ આ કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોનું પ્રકૃતિ સાથે અનુસંધાન કેળવાય તેની કાળજી લેવામાં આવી છે. સાથે લોકો પ્રકૃતિ પ્રેમ વિકસે અને પ્લાસ્ટિકનો વપરાશ નહીંવત્ પ્રમાણમાં કરવા પ્રેરાય તેને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 
 
પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની છતને આકર્ષક બનાવવા માટે તેમાં વાંસની સુંડલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત કાફેની દીવાલો પર પણ આકર્ષક પેઇન્ટિંગ અને ફૂલઝાડને કંડારવામાં આવ્યા છે. આ કાફેની ડિઝાઇન વખતે તેમાં ઓછામાં ઓછી કોસ્ટમાં વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વુડન બેઈઝડ ફર્નિચર તૈયાર કરવામાં આવ્યું છે. આમ, અહીં આવતા લોકોને ભોજનમાં એક નવો અહેસાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. 
 
આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં કલેકટર રચિત રાજના સીધા માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણી, પ્રોટેકશન આફિસર મુકેશ વાજસુર માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એ.જી. સોલંકી અને તેમની સમગ્ર ટીમ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આઝાદ ચોકમાં આવેલા આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તા.૩૦મી જૂનના રોજ ખૂલ્લું મુકવામાં આવશે.