ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (09:21 IST)

બાળકને જન્મ આપ્યા પછી હિન્દુ પ્રેમી સાથે જ રહેવાની આણંદની સગીર સગર્ભાની જિદ

મહેમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં હિંદુ પ્રેમી સાથેના શારીરિક સંબંધ બાદ ગર્ભવતી બનેલી અનાથ સગીરાને તેના પરિવારજનોએ તરછોડી દીધી હતી. વધુમાં તેને નડિયાદના માતૃછાયા અને એ પછી ત્યાંથી તેને આણંદ જાગૃત મહિલા સંગઠનમાં લાવવામાં આવી હતી. જ્યાં હાલમાં સગીરા રહે છે. સગીરા નવ માસનો ગર્ભ ધરાવે છે. જોકે, તેણીને પરિવારજનો સાથે રહેવું નથી. તે તેના બાળકને અનાથઆશ્રમમાં મૂકીને તેના હિદું પ્રેમી સાથે જવા માંગે છે.

આ અંગે સંગઠનના પ્રમુખ આશાબેન દલાલે જણાવ્યું હતું કે, ત્રણેક મહિના અગાઉ લઘુમતિ કોમની એક સગીરાને તેના માસી અહીં મૂકવા આવ્યા હતા. માસી અને સગીરા સાથે એ સમયે કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન હકીકત પ્રકાશમાં આવી હતી. જેમાં સગીરાને તેના ગામમાં રહેતા 21 વર્ષીય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેને પગલે તેણી ગર્ભવતી બની હતી. આ અંગેની જાણ તેની માસીને થતાં જ તેઓ તુરંત જ તેણીને લઈને નડિયાદની માતૃછાયામાં ગયા હતા. પરંતુ ત્યાંના સંચાલકોએ તેને આણંદ જાગૃત મહિલા સંગઠનમાં રીફર કરતાં તેઓ તેણીને અહીં લઈ આવ્યા હતા. હાલમાં તેણીને નવ માસનો ગર્ભ છે અને સપ્ટેમ્બરમાં તેને બાળક અવતરશે. જોકે, અવાર-નવાર તેના કાઉન્સેલિંગ દરમિયાન તેણી એવું જ કહે છે કે, બાળકને જન્મ આપ્યા બાદ તે તેને ત્યજીને તેના પ્રેમી સાથે જતી રહેશે. તેને તેના પરિવારજનો સાથે રહેવું નથી.  સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ થઈ હતી. આરોપી યુવક વિરૂદ્ધ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ હેઠળ કેસ ચાલી રહ્યો છે. જેને પગલે તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. થોડાં સમય પહેલાં જ તે જામીન પર મુક્ત થયો હોવાની વાત સગીરાએ સામાજિક કાર્યકરને કાઉન્સેલિંગ દરમિયાન જણાવી હતી. જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલે કહ્યું- આંતરજ્ઞાતિય સંબંધોને પગલે પરિવારજનોને આ સંબંધ મંજૂર જ નથી. તેઓ કોઈ સંજોગોમાં તેણીના લગ્ન યુવક સાથે કરાવવા માંગતા નથી. એવું પણ બહાર આવ્યું છે કે બાળકને જન્મ આપ્યા બાદ તેને અનાથાશ્રમમાં મૂકીને તેઓ સગીરાને લઈ જશે અને તેના પરિવારજનોની પસંદગીના યુવક સાથે લગ્ન કરાવી દેશે.