શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 3 નવેમ્બર 2019 (11:35 IST)

‘મહા’ વાવાઝોડાના કારણે 128 તાલુકામાં મેઘાએ કહેર વરસાવ્યો

ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર અરબ સાગરમાં ઉદ્ભવેલા 'મહા' વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. 

‘મહા’ વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠાને કોઈ ખાસ અસર થાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી. પરંતુ, ‘મહા’ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

‘મહા’ વાવાઝોડાની અસરના કારણે રાજ્યભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 2.4 ઈંચ, સરેંદ્રનગરના લિંબડી 2.6 ઈંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઈંચ, ડાંગના સુબિરમાં બે ઈંચ, બનાસકાંઠાના થરાદમાં અને વાવમાં બે બે ઈંચ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. મોટાભાગના પાકને વ્યાપક નુકશાન થયું છે.

વાવાઝોડાના કારણે શુક્રવાર રાતથી જ પોરબંદર, સોમનાથ, દીવ, દ્વારકા તેમજ અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે અને ગુજરાતના કાંઠાળા વિસ્તારોમાં વરસાદનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં શુક્રવાર મોડી રાતથી શનિવારના દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

અખબારના જણાવ્યા અનુસાર શનિવારે નવસારીના ખેરગામમાં સૌથી વધુ 3.30 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ લીંબડીમાં 2.63 ઇંચ, ધરમપુરમાં 2.44 ઇંચ, ખેડબ્રહ્મા અને કપરાડામાં 1.37 ઇંચ, વઘઈમાં 1.33 ઇંચ, સગબરામાં 1.25 ઇંચ, ચુડા ખાતે 1.22 ઇંચ, મુલીમાં 1.18 ઇંચ અને ચીખલી તેમજ વિજયનગરમાં 0.98 ઇંચ વરસાદ પડ્યો છે.
આ સિવાય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદને પગલે પહેલાંથી જ કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે.
'મહા' વાવાઝોડાના કારણે હવામાનમાં આવેલા પલટાના કારણે દરિયો તોફાની બન્યો હોવાથી તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે. સાથે જ અરબ સાગરમાં માછીમારી કરવા ગયેલાં વાહણોને પાછાં બોલાવી લેવાયાં છે.