ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત, 01 જુલાઈ 2024, , સોમવાર, 1 જુલાઈ 2024 (15:36 IST)

ડ્રાઈવરે કાબુ ગુમાવતા દાહોદ જઈ રહેલી ST બસ પલટી, 5 મુસાફરો ઈજાગ્રસ્ત

gujarati news
gujarati news
 ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અકસ્માતોના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં વાપીથી દાહોદ જઈ રહેલી ST બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હતી.બસ અકસ્માત બાદ પલટી મારી જતા બૂમાબૂમ થઈ ગઈ હતી. કેટલાક મુસાફરો ઇજાગ્રત થતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
બસ 10થી 15 મીટર સુધી ડિવાઇડર પર દોડી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે રાત્રે વાપીથી આવી રહેલી એક બસ સુરત થઈને દાહોદ જઈ રહી હતી.આ દરમિયાન કિરણ હોસ્પિટલથી અલકાપુરી બ્રિજ પરથી પસાર થયા બાદ નીચે ઉતરતા સમયે બસ ફૂલ સ્પીડમાં પસાર થઈ હતી.બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને રસ્તાની વચ્ચે આવેલા ડિવાઇડર પર બસ ચડાવી દીધી હતી. બસ 10થી 15 મીટર સુધી ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી. અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. 
 
સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે દોડી ગયા
બસ પલટી મારી જતાં પાંચેક મુસાફરો ઇજાગ્રસ્ત પણ થયા હતા. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. આ બસનો ડ્રાઇવર દારૂના નશામાં હોવાની મુસાફરોમાં ચર્ચા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મોડીરાત્રે બનેલી આ એસટી બસની અકસ્માતની ઘટના સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સામાન્ય ઈજા પામેલા મુસાફરો સાથે તેમણે વાતચીત કરી હતી. મેયરે ત્યાં હાજર બસના મુસાફરોને સાંત્વના પણ આપી હતી.