શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

UPના વેપારી સાથે યુવકે 16 લાખની ઠગાઈ કરી, પૈસા આપીને આવું છું કહીને ભાગી ગયો

ઉત્તરપ્રદેશ મુઝફ્ફરનગરના લોખંડના સ્ક્રેપના વેપારીને સ્ક્રેપના દલાલ તરીકેની ઓળખ આપીને એક વ્યકિતએ કુલ રૂ. 16.19 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેતા અને લોખંડના સ્ક્રેપનો વેપાર કરતા મહંમદ તકી જૈદી પર દોઢ બે મહિના પહેલા અમદાવાદની એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને પોતાનંુ નામ મુસ્તુફા બતાવ્યું હતું, ત્યારબાદ લોખંડના સ્ક્રેપના ફોટા મોબાઈલ પર મોકલીને પોતાની ઓળખ સ્ક્રેપના દલાલ તરીકે આપી હતી. મુસ્તુફા પર વિશ્વાસ આવતા 21 જાન્યુઆરીએ મહંમદ તકી મુઝફ્ફરનગરથી અમદાવાદ આવ્યા હતા. આ સમયે મુસ્તુફા તેમને વટવા જીઆઈડીસી ફેઝ-1 ખાતે કૈલાસભાઈના લોખંડના સ્ક્રેપના ગોડાઉન પર લઈ જઈ માલ વેચવાનો છે તેમ કહીને સોદો કરાવી માલ પેટે રૂ. પોણા બે લાખ કૈલાસભાઈના બેંક એકાઉન્ટમાં મોકલી આપ્યા હતા અને રૂ. 16.19 લાખ બાકી રાક્યા હતા. 22 જાન્યુઆરીએ તેણે વેપારીને કહ્યું હતું, તમારો માલ વાહનોમાં ભરાઈ ગયો છે બાકીના પૈસા આપો અને માલ લઈ જાઓ. આથી મહંમદ તકીએ રોકડા 16.19 લાખ આપ્યા, ત્યારબાદ મુસ્તુફા ગોડાઉન તરફ ગયો, પરંતુ પાછો ન આવ્યો. આ અંગે કૈલાસભાઈને પુછતા તેમણે કહ્યું કે હું પણ મુસ્તુફાને ઓળખતા નથી તે માત્ર રૂ. 40 હજાર સ્ક્રેપ પેટે આપી ગયો હતો. ઉત્તરપ્રદેશના વેપારીને માલ અપાવવાના બહાને પૈસા લઈ ફરાર થઈ ગયેલા મુસ્તુફાએ માલ વેચનાર કૈલાશભાઈને પણ થોડા પૈસા આપી બાકીના પૈસા આપવાનુ કહી બંનેને અંધારામાં રાખીને રૂ. 16.19 લાખ લઈ નાસી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.