શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:15 IST)

Traffic Rules ના સ્થાને દંડ માટે ટાર્ગેટ અપાતા ટ્રાફિક જવાનો મૂંઝાયા

સુરત શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર હાલમાં ટ્રાફિક શાખાના જવાનો ની હાજરી ઓછી નજરે ચઢે છે. તે પાછળ કારણ એક ઉચ્ચ અધિકારીએ ટ્રાફિક શાખાના જવાનોને દંડ વસૂલવા આપેલો રોજનો ટાર્ગેટ હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિક શાખાના જવાનો ટ્રાફિક નિયમન ને બદલે દંડ વસુલવાની પાવતી ફાડવામાં વ્યસ્ત રહે છે કેમકે દિવસને અંતે જો ટાર્ગેટ મુજબ તેઓ દંડ નહીં વસૂલી શકે તો ઉચ્ચ અધિકારી તેમને સજા રૂપે રોકડ રકમનો દંડ ફટકારે છે.
સુરતના પોલીસ કમિશનરે લગભગ છ માસ અગાઉ ટ્રાફિક શાખાના જવાનોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે તેઓ માત્ર ટ્રાફિક નિયમનમાં જ ધ્યાન આપે. જ્યારે દંડ વસૂલવાની કાર્યવાહી વિવિધ સ્ક્વોડ બનાવી તેમને સોંપવામાં આવી હતી. થોડા સમય સુધી તે પ્રમાણે કાર્યવાહી થઈ પણ હતી. પરંતુ બહારગામથી બદલી પામી આવેલા એક ઉચ્ચ અધિકારીએ ટ્રાફિક શાખાના જવાનોને ટ્રાફિક નિયમન ને બદલે ફરી દંડ વસૂલવામાં જોતરતા પોલીસ કમિશનરે બનાવેલી દંડ વસૂલવા માટેની વિવિધ સ્ક્વોડ માત્ર કાગળ ઉપર જ મર્યાદિત થઈ ગઈ હતી. આ ઉચ્ચ અધિકારીએ ત્યાર બાદ ટ્રાફિક શાખાના જવાનો માટે રોજનો દંડ વસૂલવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.
પરિણામે અત્યારે એવી સ્થિતિ સર્જાઇ છે કે ટ્રાફિક શાખાના જવાનો તેમના નિર્ધારિત પોઇન્ટ પર ભાગ્યે જ ટ્રાફિક નિયમન કરતા નજરે ચઢે છે. સવારથી તેઓ ટાર્ગેટ પૂરો કરવા રઘવાયા બની વાહનચાલકોને શોધે છે. આખો દિવસ આ રીતે વાહનચાલકોને પકડી દંડની પાવતી ફાડી બેહાલ થયેલા ટ્રાફિક શાખાના જવાનો રોજનો અંદાજીત રૂ. ૪ થી ૫ હજારનો દંડ એકત્ર કરે છે અને જો તેમાં નિષ્ફળ જાય તો ઉચ્ચ અધિકારી તેમને રોકડ રકમનો દંડ ફટકારે છે. રોજના દંડના ટાર્ગેટને પગલે ટ્રાફિક શાખાના જવાનોના સામાન્ય પ્રજા સાથે ઘર્ષણના બનાવો પણ વધ્યા છે.
પોલીસ વિભાગમાં આવી તકલીફ અંગે કોઈ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરે તો તેમની સામે શિસ્ત ભંગના બહાને પગલા લેવામાં આવે છે. જ્યારે પોતાની મનમાની કરતા ઉચ્ચ અધિકારી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકતી નથી.
રોજના ટાર્ગેટને પગલે ટ્રાફિક પોઇન્ટ ઉપર તેમની ગેરહાજરી હોય ટીઆરબીના જવાનો પણ બિંદાસ્ત બની ફરતાં નજરે ચઢે છે. ક્યારેક તેઓ પોઇન્ટ ઉપર હાજર હોય છે તો ક્યારેક ગેરહાજર. પોઇન્ટ ઉપર હાજર હોય તો પણ બાજુમાં મૂકપ્રેક્ષક બની બેસતા ટીઆરબીના જવાનોને ટ્રાફિક નિયમનની કંઇ પડી હોતી નથી. જો ટ્રાફિક શાખાના જવાનો પોઇન્ટ ઉપર હાજર હોય તો ટીઆરબીના જવાનો પણ કામ કરતા નજરે ચઢે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ્યારે રાઉન્ડ પર નીકળે ત્યારે આ સ્થિતિ જોઈ ટીઆરબી જવાનો કરતા વધારે સખ્તાઈથી પગલા ટ્રાફિક શાખાના જવાનો વિરુદ્ધ લેવામાં આવે છે. આમ ટ્રાફિક શાખાના જવાનો બંને બાજુ થી પીસાઈ રહ્યા છે. સિટી પોલીસના ટ્રાફિક વિભાગે છેલ્લા એક વર્ષમાં એક લાખથી વધુ કેસ કરીને રૂા.૩.૨૫ કરોડથી વધુનો દંડ વસુલ કર્યો છે. મોટાભાગના કેસો ટ્રાફિક નિયમના ભંગ અંગેના, નો-પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો સામે કરાયેલી દંડાત્મક કાર્યવાહીના છે.